લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026 |
1782
છેલ્લા દોઢેક વર્ષથી સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં એવી સ્થિતિ સર્જાવા પામી કે વીવિંગ કારખાનેદારો જેમાંથી ગ્રે કાપડ કે ફિનિશ્ડ ફેબ્રિકનું ઉત્પાદન કરે છે તે યાર્નનાં ભાવો આસમાને પહોંચ્યા અને એ જ યાર્નમાંથી જે ગ્રે કાપડનું ઉત્પાદન થયું તેના ભાવ બજારભાવ કરતા પણ નીચા ગયાં,અનેક વીવિંગ કારખાનેદારોને ખોટ ખાઇને ધંધો કરવાની નોબત આવી. આ પરિસ્થિતિમાંથી અન્ય કોઇએ બોધપાઠ લીધો કે નહીં એની ખબર નથી પરંતુ, શહેરનાં સચિન, સાયણ, પીપોદરામાં હાઇસ્પીડ લૂમ્સનાં કારખાના ચલાવતા એક ગ્રુપનાં કારખાનેદારોએ અનુભવેલી ઉપરોક્ત પરિસ્થિતિ પરથી બોધપાઠ લઇને હાલમાં દિવાળી પછી પોતાની ખુદની ધંધાકીય નીતિ અમલમાં મૂકી છે. આ પોલિસીમાં ઓર્ડર વગર ગ્રે કાપડનું ઉત્પાદન કરવું નહીં અને સ્પોટ પેમેન્ટ ના આપે તેવી પાર્ટી સાથે ધંધો કરવો નહીં.
આ નીતિ અમલમાં મૂકનારા કેટલાક વીવિંગ કારખાનેદારોએ લોકસત્તા-જનસત્તાને જણાવ્યું હતું કે દરેક ધંધા રોજગારની પોલિસી હોય છે અને તેને વળગીને ચાલવું પડે છે પરંતુ સુરતમાં એવું થતું નથી. વિદેશમાં જ્યારે કોઇ વેપાર કરીએ જેમ કે યાર્નની ખરીદી કરવામાં આવે છે અગર તો મશીનરીની ખરીદી કે પછી હીરા ઉદ્યોગવાળા લેબગ્રોન ડાયમંડની ખરીદી કરવા જાય છે ત્યારે માલની ડિલિવરી પહેલા જ પેમેન્ટ આપવું પડે છે. ત્યાં કોઇપણ વિક્રેતા પેમેન્ટ વગર માલની ડિલિવરી કરતા નથી. સુરતનાં ઉદ્યોગમાં આનાથી ઉલ્ટું છે, કેમ કે યુનિટી જોવા મળતી નથી. પરંતુ, હવે છેલ્લા દોઢેક વર્ષમાં જે સ્થિતિ જોવા મળી તેનાથી અમારા ૫૦થી વધુ કારખાનેદારોનાં ગ્રુપમાં નક્કી કરાયું છે કે ગમે તેવી સ્થિતિ પેદા થાય, ઓર્ડર નહીં હોય ત્યાં સુધી ઉત્પાદન નહીં થાય અને એ રીતની પ્રોડ્કશન સાઇકલ નિર્ધારિત કરીશું કે કારખાના કે મશીન બંધ ન રહે.
વીવિંગ કારખાનેદારોએ કહ્યું કે અમે બધા ક્વોલિટી ગ્રે ફેબ્રિકનું ઉત્પાદન કરીએ છીએ, સારી ક્વોલિટી હોવા છતાં પેમેન્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે એ હવે નહીં ચલાવી લેવાય. જેણે અમારી પાસેથી ગ્રે લેવું હોય તેમણે સ્પોટ પેમેન્ટ આપવું પડશે અન્યથા ધંધો નહીં કરીએ. તેમણે કહ્યું કે જે વ્યાપારીઓને સારી ક્વોલિટીનું ગ્રે જોઇએ છે અને જેઓ નીતિથી ધંધો કરે છે તેઓ આજે પણ સ્પોટ પેમેન્ટ આપે જ છે, આવી સ્થિતિમાં વધુ ધંધાની લાલચમાં ઉધારમાં માલ આપવાનું બંધ કરી રહ્યા છે. આ નીતિ આગામી એક વર્ષ સુધી અમલમાં મૂકીને જોઇશું, પછી તેમાં જે સુધારા વધારા કરવા જોઇતા હશે તે કરીશું.