19, જુલાઈ 2025
2772 |
નવી દિલ્હી,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ શનિવારે ટેક જાયન્ટ્સ ગૂગલ અને મેટાને સમન્સ પાઠવ્યા છે. ઈડીની આ કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના કેસમાં હાથ ધરવામાં આવી રહેલી તપાસનો એક ભાગ છે. બંને કંપનીઓના પ્રતિનિધિની ૨૧ જુલાઇના રોજ પૂછપરછ કરવામાં આવશે.
ઈડ્ઢએ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે તેમની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી અને આ ગેરકાયદેસર કામગીરી દેશભરમાં ફેલાઈ ગઈ.
આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ઈડીની આ કાર્યવાહી ઓનલાઇન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ થઈ રહી છે. એવામાં ઈડીના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે.
ઈડી દેશભરમાં ઓનલાઇન સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેલંગાણાના ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધ્યો હતો.