લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026 |
5247
યાર્ન અને ફર્નિચર જેવાં સળગી ઉઠે તેવાં મટીરિયલ્સનાં ગોડાઉન ઉભાં કરી જીવતાં જ્વાળામુખી બનાવી દેવામાં આવેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે લોકસત્તા-જનસત્તાએ ઉપાડેલી ઝૂંબેશને મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને પ્રતિસાદ આપતાં ફાયર વિભાગ દ્વારા ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસો ફટકારવામાં આવી છે. સરકારની નીતિ અને મહાનગર પાલિકાની એસ.ઓ.પી. વિરૂદ્ધ ધમધમતાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે તમામ ઝોનનાં અધિકારીઓ તેમજ ફાયર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાં હતાં પરંતુ કમિશનરે કડકાઇ અખત્યાર કરતાં આખરે આજે ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને નોટિસ ઇશ્યુ કરી ત્રણ દિવસમાં જ ફાયર સેફ્ટી નિયમોનો અમલ કરવા જણાવી દેવાયું છે.
સુરત મહાનગર પાલિકાનાં તમામ ઝોનનાં અધિકારીઓની મહેરબાનીથી ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં નામે ગોડાઉનો ધમધમી રહ્યાં છે. મોટાભાગનાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં માલિકો વેરો પણ ભરતાં નથી પરંતુ મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં ખીસ્સા જરૂર ભરતાં હોવાથી અત્યારસુધી કોઇ જ પગલાં લેવાયા નથી.
મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં જ હેલ્થ એન્જિનિયરિંગની મીટિંગમાં તમામ ઝોનનાં વડા તેમજ ફાયર વિભાગનાં અધિકારીને કડક શબ્દોમાં સુચના આપતાં ટેમ્પરરી સ્ટ્રક્ચરો બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. કમિશનરે તો દરેક ઝોનમાં ૧૦૦-૧૦૦ ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી સુપ્રત કરવા તમામ ઝોનલચીફને આદેશ આપ્યો હતો પરંતુ એટલી સંખ્યામાં યાદી સુપ્રત કરાઇ નથી. જાે કે, ૪૭૫ જેટલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી આપવામાં આવી હતી તેમાં ૨૬૨ ટેમ્પરરી સ્ટ્રક્ચરોને ફાયર વિભાગ દ્વારા આજે નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં જ ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવી લેવા જણાવી દેવાયું હતું.
મોટા મોટા ગોડાઉન બનાવી દેવાયેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસવાની જવાબદારી ફાયર વિભાગની હોવા છતાં અત્યારસુધી આ તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચરોની વિઝિટ કરી ચકાસણી કરવાની તસ્દી ફાયર વિભાગનાં અધિકારીઓએ લીધી નથી તે સાબિત થઇ જાય છે.
સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમાંથી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરના લિસ્ટ બાદ ફાયર બ્રિગડ વિભાગ દ્વારા તમામને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૨૦ ટેમ્પરરી સ્ટ્રક્ચર પૈકી ૪૦ ને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે આગળની કાર્યવાહી ચાલુ છે. આ સિવાય વરાછા ઝોન વિસ્તારમાં ૯૫ ટેમ્પરરી સ્ટ્રકચરો પૈકી ૮૩ ને નોટિસ ફટકારવામાં આવી છે. અઠવા ઝોનમાં ૬૦ ટેમ્પરરી સ્ટ્રક્ચર પૈકી ૪૬ ને નોટિસ આપવામાં આવી છે. જોકે કામગીરી દરમિયાન ૬૦ પૈકી પાંચ ટેમ્પરરી સ્ટ્રક્ચર કાયમ માટે બંધ થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. આ સિવાય લીંબાયત ઝોન વિસ્તારમાં ૩૨ ટેમ્પરરી સ્ટ્રકર પૈકી ૧૯ ને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત છ વ્યક્તિને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ આપવામાં આવી છે. જોકે ૩૨ પૈકી કુલ ૧૧ ટેમ્પરરી સ્ટ્રકરો કાયમી માટે બંધ થઈ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય ઉધના ઝોન એ વિસ્તારમાં કુલ ૧૩ ટેમ્પલ સ્ટ્રક્ચરો પૈકી ૧૦ ને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ ફટકારવામાં આવી છે. જોકે અન્ય ત્રણ ટેમ્પરરી સ્ટ્રકરો કાયમી માટે બંધ થઈ ગયા છે. ઉધના ઝોન વિસ્તાર બી માં ૪૭ પૈકી ૩૬ ને નોટિસ આપવામાં આવી છે. રાંદેર ઝોન વિસ્તારમાં ૧૪ પૈકી ૧૩ ને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ થી નોટિસ પણ આપવામાં આવી છે. કતારગામ ઝોન વિસ્તારમાં ૧૫ પૈકી તમામને નોટિસ ફટકારવા સાથે છ અને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ આપવામાં આવી છે. આમ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને કુલ ૯ ઝોનમાંથી ૩૯૬ ટેમ્પરરી સ્ટ્રક્ચર નું લિસ્ટ મળ્યું હતું. જેમાં ૨૬૨ અને નોટિસ ફટકારવામાં આવી છે અને ૩૫ ને ઇલેક્ટ્રિકલ ડિસ્કનેક્ટ ની નોટિસ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરોની સ્થળ તપાસની કામગીરી અને નોટિસની કામગીરી હજુ યથાવત છે
મેળા, સર્કસ, પ્રદર્શની, પંડાળ અને ફિશરિઝ સંબંધિત એક્ટિવિટી માટે જ પરવાનગી અપાય
રાજ્ય સરકારે ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે નીતિ-નિયમો બનાવ્યાં છે તેમજ સુરત મહાનગર પાલિકાએ પણ એસ.ઓ.પી. બનાવી છે જે મુજબ માત્ર મેળા, સર્કસ, પ્રદર્શની, પંડાળ અને ફિશરિઝની એક્ટિવિટી માટે જ ટેમ્પરરી સ્ટ્રક્ચર અંગે પરવાનગી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. પ્રથમ છ મહિના માટે અને ત્યારપછી તેને છ-છ મહિના કરીને મહત્તમ ત્રણ વર્ષ માટે એક્સ્ટેન્શન આપવાની જાેગવાઇ છે. જાે કે, સુરત શહેરમાં પુણા-કુંભારિયા સહિતનાં વિસ્તારોમાં ઘણાં લાંબા સમયથી ટેમ્પરરી સ્ટ્રક્ચરોનાં નામે વેપારીઓએ વેપાર-ધંધા માટે મોટા મોટા ગોડાઉનો બનાવી દીધાં છે.