સેટ અપ પહેલાં શિક્ષકોના બીજા બદલી કેમ્પનું આયોજન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   1683

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેર બદલી કેમ્પના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ માટેનું આયોજન ન કરવામાં આવતા મુખ્ય શિક્ષકોને ભારે અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી પ્રસરી છે. એટલું જ નહિ, આ મામલે શિક્ષક સંઘના આગેવાનોની નિષ્ક્રિય ભૂમિકા સામે પણ મુખ્ય શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

રાજ્યના શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આજે તા. ૧૬-૦૭-૨૦૨૬ના રોજ પરિપત્ર જાહેર કરીને શિક્ષકોની જિલ્લા ફેર બદલી કેમ્પના બીજા તબક્કાનું આયોજન કરવાની સૂચના અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામકની ઈ-સહીથી રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને મોકલાયેલા પત્રમાં જણાવ્યું છે કે, અત્રેની કચેરીના સંદર્ભ-૧ અને ૨ ના પત્રથી જિલ્લા ફેર બદલી (ઓફલાઈન-ઓનલાઈન) કેમ્પનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ છે.

જાે કે, પ્રાથમિક શિક્ષક સાથે સંકળાયેલા માન્ય સંઘો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૧-૦૫-૨૦૨૩ના ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોમાં પ્રકરણ-એલ (૮)માં થયેલ જાેગવાઈ ‘જગ્યા ખાલી રહે તો બીજા તબક્કો કરી પ્રવરતા યાદીમાં ઉપલબ્ધ શિક્ષકોને જ જિલ્લાફેરની તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી બોલાવી શકાશે’ મુજબ જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓમાં જિલ્લાફેર બદલી માટેના રજિસ્ટર પડતર છે, તેવા જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓમાં જિલ્લાફેર બદલી કેમ્પનો બીજાે તબક્કો આયોજિત કરવા જણાવાયું છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ આગામી તા. ૨૪-૦૭-૨૦૨૬ના રોજ જિલ્લાફેર બદલી કેમ્પ (બીજાે તબક્કો) યોજાશે. જિલ્લાફેર બદલી કેમ્પ (ઓફલાઈન-ઓનલાઈન) બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી રહેલ જગ્યા પર કચેરીના સંદર્ભ-૧ અને ૨ ના પત્રથી આપેલી સૂચનાઓને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવાની રહેશે. આ માટે આ જિલ્લાફેર બદલી કેમ્પ(ઓફલાઈન) કેમ્પના બીજા તબક્કાની જાણ તમામ સંબંધિત અરજદાર શિક્ષકોને કરવાની રહેશે.

રાજ્યમાં સેટ અપ પહેલા જ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષક સંઘોની માંગણીઓને અનુસરી શિક્ષકોની જિલ્લાફેર બદલી કેમ્પનો બીજાે તબક્કો યોજી રહી છે. ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટેની બદલી કેમ્પ યોજવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે મુખ્ય શિક્ષકોમાં ભારે નારાજગી પ્રસરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મુખ્ય શિક્ષકોની અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે મુખ્ય શિક્ષકોમાં તેમને અન્યાય થઇ રહ્યો હોવાથી ભારે નારાજગી પ્રસરી રહી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઠાગાઠૈયા થઇ રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા દ્વારા રસ લઈને મુખ્ય શિક્ષકોને થઇ રહેલા અન્યાય અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution