૨૪ કલાકમાં શાંતિકરાર પાકિસ્તાન પીએમનો દાવો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2871

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શનિવારે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલી કટોકટીનો અંત લાવવા માટે આગામી ૨૪ કલાકની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. વડાપ્રધાન શરીફની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને હળવો કરવા માટે પડદા પાછળ ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી હોવાના સંકેતો મળી રહ્યા છે. બંને દેશો વચ્ચેના આ સંભવિત કરારને પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ, અમેરિકા અને ઈરાન બંને પક્ષોએ સંકેત આપ્યા હતા કે તેઓ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સુરક્ષા કટોકટી અને દરિયાઈ નાકાબંધીના વિવાદોનો અંત લાવવા માટે કોઈ મોટા કરાર પર પહોંચવાની ખૂબ જ નજીક છે. 

આજે સમજૂતી નહીં થાય પાક.ને ઈરાનનો જવાબ

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર રવિવારે હસ્તાક્ષર નહીં થાય. તેમણે કહ્યું કે આ કરાર આગામી કેટલાક દિવસોમાં થઈ શકે છે, પરંતુ હજુ તેની તારીખ નક્કી નથી. બઘાઈના મતે, પાકિસ્તાનની મધ્યસ્થીથી તૈયાર થઈ રહેલા આ કરારનો હેતુ માત્ર યુદ્ધ સમાપ્ત કરવાનો છે. તેમાં હાલમાં પરમાણુ મુદ્દે કોઈ વાતચીત નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાનું વલણ વારંવાર બદલાતું રહ્યું છે, તેથી કરારને લઈને હજુ સાવચેતી રાખવાની જરૂર છે.

આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી ૨૪ કલાકમાં શાંતિ કરાર થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આ પછી બંને દેશો આ કરાર પર ઓનલાઈન હસ્તાક્ષર કરશે અને આગામી સપ્તાહે ટેકનિકલ સ્તરની વાતચીત થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution