અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી વિના તપાસ સમિતિ રચીને સ્પોન્સર્ડ ડિમોલિશનનાં કૌભાંડનું ફિંડલું વાળવાની યોજના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુન 2026  |   2475

ભાજપનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયાનાં આક્રામક વલણને કારણે ભાજપનાં જ બે મોટા નેતા વચ્ચેની ખુલ્લી લડાઇ બહાર આવતાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનાં પડઘાં ગાંધીનગર સુધી તો પડ્યાં જ છે પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી દરબારમાં હાજરી આપવા ગયા હોવાથી હાઇકમાન્ડ સુધી પણ વાત પહોંચે તેવી શક્યતા છે. ભાજપનાં બે મોટા નેતા વચ્ચેની લડાઇમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્રનાં અધિકારીઓનો ભોગ લેવાય તેવી પણ સંભાવના સેવાઇ રહી છે.

નાસિરનગર પાસે હાઇરાઇઝ બિલ્ડિંગનો પ્રોજેક્ટ કરી રહેલાં બિલ્ડરે ૧૨ મીટર જગ્યા રસ્તા માટે મહાનગર પાલિકાને આપી દેતાં તેમાં નડતરરૂપ આવાસો તોડી પાડવાનો તખ્તો ગોઠવાયો હતો. જ્યાં સુધી શરતો પૂરી ના કરે ત્યાં સુધી બિલ્ડરને બાંધકામની રજાચિઠ્ઠી આપવાનો મહાનગર પાલિકાનાં અધિકારીઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવા છતાં રજાચિઠ્ઠી વિના પણ બિલ્ડરે હિંમતભેર હાઇરાઇઝ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરી દીધું હતું. સૂચિત રસ્તાની લાઇનદોરીનાં ડીમાર્કેશન તેમજ નડતરરૂપ આવાસોનાં રહિશોને નોટિસની કામગીરી ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા કરવાની રહે છે તેમ છતાં સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઇજનેર જીવણરામજીવાલા તેમજ રોડ વિભાગનાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓની ટીમે પોતાની સત્તા બહાર જઇ ડીમોલિશનની કામગીરીમાં ભૂંડી ભૂમિકા ભજવી હતી. માત્ર મહાનગર પાલિકાનાં અધિકારીઓ જ નહીં પરંતુ પોલીસ તંત્રનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ કમિશનર નકુમ, પીઆઇ અતુલ સોનારા સહિતની આખી ફોજ ખડે પગે ઉભા રહીને ડીમોલિશનની કામગીરીને પ્રોટેક્શન પુરૂ પાડ્યું હતું જે પોલીસ તંત્ર માટે પણ શરમજનક બાબત બની રહી છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનને સમગ્ર બનાવ અંગે તપાસ કરવા સુચના આપી શાસકોની કોઇ જ ભૂમિકા નહીં હોવાનું પ્રતિપાદિત કર્યું તો બીજીતરફ મંગળવારે કોંગ્રેસનાં ઉગ્ર વલણ બાદ કમિશનરે પણ મોડીસાંજે છ સભ્યોની તપાસ સમિતિ રચીને હાલ તુર્ત તો મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. તપાસ સમિતિ રચાયા બાદ ક્યા તો તપાસ પૂરી થતી નથી ક્યા તો તેનો અહેવાલ જાહેર થતો નથી એટલે જ મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને તપાસ સમિતિની રચના કરીને સમગ્ર ડીમોલિશન કૌભાંડનું ફિંડલું જ વાળી દીધું હોવાની ચર્ચા અધિકારીઓમાં થઇ રહી છે. બાકી જીવણરામજીવાલા અને સુજલ પ્રજાપતિ સહિતની ટીમની ઘટનાસ્થળે હાજરી હોવાનાં પુરતાં પુરાવા છે ત્યારે તેમને સસ્પેન્ડ કરીને પણ તપાસ સમિતિની રચના કરી શકાઇ હોત.

દરમિયાન કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ડીમોલિશન પહેલાં સેન્ટ્રલ ઝોનનાં લાઇટ વિભાગનાં સુપરવાઇઝર શૈલેષ સેલરે ટોરન્ટ પાવર કંપનીમાં નાસિરનગર વિસ્તારમાં પાવરકટ કરવા ઓનલાઇન જાણ કરી હતી. શૈલેષ સેલરે કયા ઉપરી અધિકારીની સુચનાને આધારે ટોરન્ટ પાવર કંપનીને જાણ કરી હતી તે પણ તપાસનો વિષય છે. શૈલેષ સેલરની કામગીરીથી ડીમોલિશનમાં સુરત મહાનગર પાલિકાનો હાથ હોવાનું સાબિત થાય છે.

મનપાની સમિતિ તો ઠીક પરંતુ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા ડિમોલિશનની તપાસ થવી જાેઇએ: વિનુ મોરડિયા, ધારાસભ્ય

નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશન બાબતે આક્રામક વલણ અખત્યાર કરનાર વિનુ મોરડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નાસિરનગરમાં દાદા(મુખ્યમંત્રી)નું બુલડોઝર નથી ચાલ્યું. જેણે ડીમોલિશન કર્યું છે તે અંગતરીતે કર્યું છે જેથી ડીમોલિશન કોણે કર્યું, કોની નીગરાનીમાં થયું, કોના માર્ગદર્શનમાં થયું, કોની સુચનાથી થયું તે તપાસનો વિષય છે. મનપાની સમિતિ તો ઠીક પરંતુ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા આ શંકાસ્પદ ડીમોલિશનની તપાસ થવી જાેઇએ જેથી સત્ય બહાર આવે. સ્પોન્સર્ડ ડીમોલિશન અંગે ગાંધીનગર સુધી વાત કરી છે. કોના ફાયદા માટે ડીમોલિશન થયું તેની તપાસ થવી જરૂરી છે. કાર્યપાલક ઇજનેરો ડીમોલિશનમાં ગયા હતાં એટલે મનપાની તપાસ સમિતિ દ્વારા તેમની સામે પગલાં લેવાય તેવું મને જણાતું નથી. ખાનગી જગ્યામાં સરકાર કે મહાનગર પાલિકા ક્યારેય ડીમોલિશન કરતાં નથી. પોલીસ અને મનપાનાં અધિકારીઓ વ્યક્તિગતરીતે ડીમોલિશન માટે ગયા છે, સરકાર કોઇને છોડશે નહીં. રાતોરાત સેંકડો લોકોનાં માથેથી છત છીનવી લેવા અંગે તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ ડીમોલિશનને અમાનવીય અને ગેરકાયદે ગણાવ્યું છે. ખાનગી પ્લોટમાં પાલિકા ડીમોલિશન કરતી નથી તો ત્યાં

પોલીસ બંદોબસ્ત મેળવવાનો સવાલ જ ક્યાં આવે. આ ડીમોલિશનમાં પોલીસ તેમજ મનપાનાં તમામ અધિકારીઓ વ્યક્તિગત હિત માટે કે કોઈનું હિત સાચવવા ગયાં હતાં. આ અધિકારીઓ વ્યક્તિગત રીતે કસુરવાર જ નહીં ગુનેગાર પણ કહી શકાય એમ છે.

ખજાેદનાં કરોડોનાં કચરાકૌભાંડની તપાસ બે મીટિંગ બાદ અભેરાઇએ ચઢાવી દેવાઇ

શહેરમાંથી દરરોજ નીકળતાં હજારો ટન ઘનકચરાને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ વાપીની સી.ડી.ટ્રાન્સ્પોર્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર નુરૂદ્દિન અને તેના મળતિયાઓએ પ્રોસેસિંગ કર્યા વિના બારોબાર કચરાનો નિકાલ કર્યો હતો. મહુવા તાલુકનાં કાંકરિયા ગામમાં કચરો ઠાલવનાર કોન્ટ્રાકટર સાથે મનપાનાં અધિકારીઓની સંડોવણીનાં આક્ષેપ થતાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તપાસ સમિતિની રચના કરી હતી. ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવનાં અધ્યક્ષસ્થાને બનાવાયેલી સમિતિની બે મીટિંગ મળી ત્યારબાદ કોઇ તપાસ થઇ નહીં અને દિનેશ ગુરવની બદલી થતાં કરોડો રૂપિયાનાં કૌભાંડનાં તપાસની ફાઇલ અભેરાઇએ ચઢાવી દેવામાં આવી હોય તેવું જણાઇ રહ્યું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution