લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
2475
ગાંધીનગર સેક્ટર ૧૭ ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પીએમ ઈ બસોનું લોકાર્પણ કર્યુ હતું આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ , સહિત આરોગ્ય વિભાગ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન,ભાજપ શહેર અધ્યક્ષ આશિષભાઈ દવે મહાનગરપાલિકા કમિશનર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ અંતર્ગત શહેરમાં આધુનિક અને પર્યાવરણમૈત્રી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેની વહીવટી, ટેકનિકલ અને ઓપરેશનલ તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે.ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલી પીએમ ઈ બસ સેવા સ્કીમ હેઠળ ગાંધીનગર શહેરને કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક મિડી બસોની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોને આધુનિક, સુરક્ષિત, આરામદાયક અને પ્રદૂષણમુક્ત જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશનલ કિલોમીટર દીઠ સબસિડી પણ આપવામાં આવશે.બસોના સંચાલન માટે સરગાસણ ખાતે આધુનિક ચાર્જિંગ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપરેશનલ પ્લાનિંગ અને ટેકનિકલ વ્યવસ્થાઓની કામગીરી અંતિમ તબક્કામાં છે. પ્રથમ તબક્કામાં ૪૦ ઇલેક્ટ્રિક બસોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. બસોનું રજીસ્ટ્રેશન, ડ્રાઇવર તથા ટેકનિકલ સ્ટાફની નિમણૂક પણ પૂર્ણ થઈ ચૂકી છે. મુસાફરો માટે ડિજિટલ ભાડા વસૂલાતની સુવિધા ઉપલબ્ધ કરાવવા એજન્સી તરીકે પસંદ કરવામાં આવી છે. ઈટીએમ મશીન ઇન્ટિગ્રેશન, કંડક્ટર સ્ટાફની ભરતી અને તાલીમની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. કુલ ૧૫ મુખ્ય રૂટો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સરગાસણ, પથિકાશ્રમ, ધમાસણ, ટીટોડા, કલોલ, કડી-છત્રાલ ક્રોસિંગ, ચાંદખેડા, આઈટીઆઈ ગાંધીનગર, ડાભોડા, ચિલોડા, દહેગામ, નરદીપુર, જૂનું અને નવું સચિવાલય, રાંધેજા ગામ તેમજ રિસર્ચ સેન્ટર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં વધુ અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થા માટે કોમપ્રિહેંસીવ મોબિલિટી પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નાગરિકોને પરવડે તેવા દરે ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત ભાડું ન્યૂનતમ ૫થી મહત્તમ ૩૦ સુધી રહેશે.
વૃક્ષારોપણ કોઈ એક રાજકીય પક્ષનું અભિયાન નથી દરેક નાગરિકનું સામાજિક ઉત્તરદાયિત્વ : અમિત શાહ
સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, હવામાન અનિયમિતતાની સમસ્યાઓથી બચવા પર્યાવરણનું સંરક્ષણ આપણું પ્રાથમિક કર્તવ્ય બની જાય છે તેમ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. વૃક્ષારોપણ એ કોઈ એક રાજકીય પક્ષનું અભિયાન નથી દરેક નાગરિકનું ઉત્તરદાયિત્વ છે તેમ પણ તેમણે ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા’ અંતર્ગત યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું. “ગાંધીનગર લોકસભા - હરિયાળી લોકસભા” ઉપક્રમે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંગે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં એક સંગઠનાત્મક બેઠક અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” અભિયાન ચાલી રહ્યું છે.