POK ભડકે બળ્યું, પાકિસ્તાની આર્મીચીફ અસીમ મુનીર જનરલ ડાયરની ભૂમિકામાં : વિરોધને ડામી દેવા પાક. સેનાનોગોળીબાર ૩૦થી વધુનાં મોત, ૨૦૦થી વધુ ઈજાગ્રસ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026  |   3960


પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેમાં પાકિસ્તાની સેનાનો ક્રૂર ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો છે. પીઓકેમાં પોતાના હકો માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર પાકિસ્તાન સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં ૩૦થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પીઓકેના સૌથી મોટા નાગરિક અધિકાર સંગઠન ‘જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી‘ દ્વારા ૯ જૂનના રોજ એક ભવ્ય ‘લોન્ગ માર્ચ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે, આ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાનની કઠપૂતળી સરકારે આ સંગઠનને જ ‘આતંકવાદી સંગઠન‘ જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા ઘણા મહિનાઓથી ‘જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી‘ના નેતૃત્વમાં પીઓકેની જનતા પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી છે. આ આંદોલનનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા અહીંના સ્થાનિક લોકો સાથે કરવામાં આવતું ભેદભાવભર્યું વર્તન છે. પીઓકેના નાગરિકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર તેમના કુદરતી સંસાધનોનો આડેધડ ઉપયોગ કરીને અબજાે રૂપિયા કમાય છે, પરંતુ તેના બદલામાં સ્થાનિક લોકોને માત્ર આર્થિક તબાહી, મોંઘવારી અને ભેદભાવ જ મળે છે. અહીંના લોકોને દ્વિતીય શ્રેણીના નાગરિક ગણીને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. હાલમાં રાજીવકોટ શહેર આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. પ્રશાસન દ્વારા  JAACના કાર્યકરો અને નેતાઓની ધરપકડ શરૂ કરાતા મામલો વધુ બિચક્યો હતો. આંદોલનકારીઓનો અવાજ દબાવવા માટે પાકિસ્તાન સરકારે ૫ જૂનની રાતથી જ સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરી દીધી છે, જેથી લોકો એકબીજા સાથે સંપર્ક ન કરી શકે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીરને આ હિંસાનો અંદાજાે પહેલાથી જ હતો. આથી જ સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને પ્રવાસીઓને ૫ જૂનથી ૨૦ જૂન વચ્ચે પીઓકેનો પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી દીધી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution