29, મે 2024
198 |
મુંબઇ
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ આઇપીએલ ૨૦૨૪ની સિઝનમાંથી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. વર્તમાન સિઝનમાં પંતનું બેટ જાેરદાર બોલે છે. તેણે ૪૦.૫૪ની એવરેજ અને ૧૫૫.૪૦ની સ્ટ્રાઈક રેટથી ૪૪૬ રન બનાવ્યા છે. વિકેટની પાછળ, પંતે ૧૬ આઉટ કર્યા, જે ટૂર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધુ છે. પંતે આખી સિઝન ફુલ ટાઈમ વિકેટકીપર તરીકે રમી હતી. તેના પ્રદર્શનથી તેણે આવતા મહિને યોજાનાર ટી ૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે પંતને લઈને કંઈક મોટું કહ્યું છે. પોન્ટિંગ કહે છે કે શરૂઆતમાં તેને ડર હતો કે પંત ભવિષ્યમાં ક્યારેય ક્રિકેટ રમી શકશે કે નહીં.પોન્ટિંગે આઇસીસી રિવ્યુ પ્રોગ્રામમાં બોલતા કહ્યું, “સાચું કહું તો, મને કંઈ સ્પષ્ટ લાગતું નહોતું. ગયા વર્ષે, મેં આઇપીએલની મધ્યમાં પંત સાથે થોડો સમય વિતાવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયાને ત્રણ-ચાર મહિના જ થયા હતા ત્યારે આ ઘટના બની હતી. તે જે રીતે વિચારતો હતો તે માનસિક રીતે હતો, પરંતુ શારીરિક રીતે તે અલગ હતો. તે સમયે તે બરાબર ચાલી પણ શકતો ન હતો.ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગે ઈજામાંથી સાજા થવા દરમિયાન પંતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. પોન્ટિંગે કહ્યું, પંત ક્રેચ પર હતો અને મને યાદ છે કે મેં તેને પૂછ્યું હતું કે, તમે આગામી સિઝન વિશે શું વિચારી રહ્યા છો? પંતે મારી તરફ જાેયું અને કહ્યું કે ચિંતા કરશો નહીં હું ઠીક થઈ જઈશ. આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ પણ પંતની સંભાળમાં ઘણો સહકાર આપ્યો હતો. પેટ્રિક ફરહાર્ટ તેનો ફિઝિયો હતો અને તેણે પણ શાનદાર કામ કર્યું હતું. પંતની બેટિંગ પર કોઈને કોઈ શંકા નહોતી કારણ કે બધા જાણે છે કે તે કેવો શાનદાર બેટ્સમેન છે. પરંતુ સતત ૧૪ મેચો સુધી વિકેટ કીપિંગ અને તે ભૂમિકા ભજવવી, તે એવી બાબત હતી કે દરેકને ચિંતા હતી. પોન્ટિંગે કહ્યું કે, પંતને ફરીથી ક્રિકેટ રમતા જાેઈને તે ખૂબ જ ખુશ છે. મેં તેની સાથે કામ કરવાની દરેક ક્ષણનો આનંદ માણ્યો. સ્વાભાવિક રીતે તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને હું ટીમનો કોચ છું, પરંતુ પંતનું પુનરાગમન અદ્ભુત હતું અને મને આશા છે કે પંત ટી ૨૦ વર્લ્ડ કપમાં પણ પ્રભાવ પાડશે.