લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026 |
2079
ખાનગી મેડિકલ કોલેજાેમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજાે જેવી જ રાહતદરે ફી નક્કી કરવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ જાેયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સેલ્ફ-ફાઇનાન્સ ધોરણે ચાલતી ખાનગી સંસ્થાઓને સરકારી સંસ્થાઓ સમકક્ષ ફી રાખવા માટે કાયદાકીય રીતે મજબૂર કરી શકાય નહીં. જાે આવી સંસ્થાઓ પર સરકારી ફીનું ભારણ લાદવામાં આવશે, તો તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારોને મદદરૂપ થતી ખાનગી કોલેજાે બંધ થઈ જશે, જેનાથી દેશમાં ડોક્ટરો તૈયાર કરવાની પ્રક્રિયા અટકી જશે અને ચિકિત્સકોની મોટી અછત ઊભી થશે. સુપ્રીમ કોર્ટો રાજસ્થાન હાઈકોર્ટના અગાઉના આદેશને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે બંધારણીય જાેગવાઈઓ મુજબ EWS અનામતનો લાભ માત્ર પ્રવેશ પ્રક્રિયાના સ્તર સુધી જ મર્યાદિત છે. આ કેટેગરી હેઠળ પ્રવેશ મેળવવાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે વિદ્યાર્થી ખાનગી સંસ્થામાં સબસિડીવાળી કે સરકારી દરની ફી મેળવવાનો કાનૂની અધિકાર ધરાવે છે. ખાનગી સંસ્થાઓને પોતાની નિયત ફી માળખું અમલમાં મૂકવાની છૂટ છે, જ્યાં સુધી તેઓ કેપિટેશન ફી નથી લેતા.આ વિવાદ રાજસ્થાનના એક વિદ્યાર્થી હર્ષવર્ધન સિંહ દ્વારા દાખલ કરાયેલી અરજીથી શરૂ થયો હતો. અરજીકર્તાએ દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ EWS કેટેગરીનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.૮ લાખ નક્કી કરાઇ છે, જ્યારે બીજી તરફ રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજાેમાં વાર્ષિક ટ્યુશન ફી રૂ.૧૮.૯ લાખથી લઈને રૂ.૨૫ લાખ સુધીની છે. અરજીકર્તાના મતે, જે પરિવારની કુલ આવક જ વર્ષે ૮ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય, તે પરિવાર માટે ૨૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક ફી ચૂકવવી વ્યવહારિક રીતે અશક્ય છે.