લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025 |
વડોદરા |
12573
રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાને મળ્યા અઢળક એવોર્ડ
વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળા એક શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી છે, અને ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે. આ શાળાને ‘સક્ષમ શાળા’ના ખિતાબથી પણ નવાજવામાં આવી છે. આ શાળાના આચાર્ય કંદર્પકુમાર પ્રદીપભાઈ પટેલના અથાગ પ્રયત્નો અને સહકારના કારણે સરકારી શાળાની કાયાપલટ થઈ છે.
આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસ
૨૦૦૨માં સ્થાપિત થયેલી આ શાળામાં હાલ બે શિક્ષકો કાર્યરત છે અને ૩૪ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી સમુદાયના છે. આ શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન, કુમાર અને કન્યા શૌચાલય, બાગ-બગીચો, વાંચન કુટીર જેવી સુવિધાઓ મળે છે. શાળામાં સુરક્ષા માટે સાત સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. લોકભાગીદારીથી વિદ્યાર્થીઓને સ્વેટર, શાળાનો ડ્રેસ, પુસ્તકો, બુટ-મોજા પણ આપવામાં આવે છે. સરકારી સહાય ઉપરાંત, બંને શિક્ષકોએ સ્વખર્ચે પણ શાળાના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે.
શિક્ષકોનો અભિગમ અને સરકારની દ્રષ્ટિ
આચાર્ય કંદર્પકુમાર પટેલે જણાવ્યું કે, તેઓ પોતાની શાળા અને બાળકો સમજીને તેનું સંચાલન કરે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કોઈપણ મુશ્કેલી વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે જેથી તેમને શાળાએ આવવાનું ગમે. આ શાળાએ ગુણોત્સવમાં હંમેશા A અને A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અહીંના વિદ્યાર્થીઓને એન.એમ.એમ.એસ., સી.ઈ.ટી. અને વિજ્ઞાન મેળા જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગયા વર્ષે, સી.ઈ.ટી. પરીક્ષામાં ૭ માંથી ૫ બાળકો મેરીટમાં આવ્યા હતા.
રાજ્ય સરકારના “સક્ષમ શાળા - મજબૂત ગુજરાત”ના અભિગમ સાથે આ શાળા સંપૂર્ણપણે સુસંગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાવો બેટી ભણાવો’ અને નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ જેવા પ્રયાસોને આ શાળાએ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. આચાર્યએ આગામી સમયમાં શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ અને પુસ્તકાલય રૂમ બનાવવાનો પણ વિચાર વ્યક્ત કર્યો છે.
સક્ષમ શાળાનો ખિતાબ અને પુરસ્કારો
રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાને ૨૦૨૪-૨૫ વર્ષ માટે જિલ્લા કક્ષાએ ‘સક્ષમ શાળા’ તરીકે ₹૩૧,૦૦૦નું રોકડ ઇનામ અને તાલુકા કક્ષાએથી ₹૧૧,૦૦૦નું રોકડ ઇનામ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, ૨૦૨૨-૨૩માં પણ શાળાને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૬-૧૭માં શાળાને બે વખત ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર’ મળ્યો હતો, જેમાં એક રાષ્ટ્રીય પુરસ્કાર અને એક જિલ્લા કક્ષાનો પુરસ્કાર હતો. રાષ્ટ્રીય પુરસ્કારમાં ₹૫૦,૦૦૦નું રોકડ ઇનામ મળ્યું હતું, જે શાળાના ઉત્કૃષ્ટ કાર્યનું પ્રમાણ છે.