ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા સંપન્ન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   1980

ઈડર, અરવલ્લી, ધનસુરા, અંબાજી તા.૧૬

ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં આજે શ્રીજીની શાહી સવારી નગરચર્યાએ નીકળી હતી.સાબરકાંઠા,અરવલ્લી,બનાસકાંઠા,મહેસાણાપટણ અને વાવ-થરાદ જિલ્લાના શહેરો અને નગરોમાં પુર્ણ ભક્તિભાવ સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી.આજે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુરમાં પણ ૫૫મી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના મોટા રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા ૧૪ કિલોમીટરના રૂટ પર પરિક્રમા કરીને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી.જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રીરામ સેવા સમિતિ દ્વારા દર્શનાર્થીઓને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૫ પીઆઈ, ૧૨ પીએસઆઈ અને ૩૦૦ જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત રખાયા હતા. સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી એલસીબીની ટીમો પણ સતર્ક રાખવામાં આવી હતી.સમગ્ર રથયાત્રા પર નજર રાખવા માટે માઉન્ટેડ પોલીસ, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અંબાજીમાં ભગવાન જગન્નાથજીની ૩૪મી રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી.

અષાઢી બીજના પાવન પર્વે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને ઐતિહાસિક નગરી ઇડર તેમજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા,ધનસુરા સહિતના મુખ્ય શહેરોમાં આજે મંદિર ચાલે નગર ભણી...ના ગગનભેદી નાદ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ ઠાકોરજીએ પરંપરાગત ચાંદીના રથમાં બિરાજમાન થઈને મંદિર પરિસરમાં ભક્તોને રથ પ્રદક્ષિણા દ્વારા દર્શન આપ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા ડ્રોન કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સતત બીજું વર્ષ છે જ્યારે આ રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા.

રથયાત્રાનો પ્રારંભ ગોકુલનગર રેલવે ફાટક પાસેથી થયો હતો. જગન્નાથ ધામ, રામનગર, ખેડ તસિયારોડ ખાતેથી ગુરુવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. પૂજન-અર્ચન અને આરતી બાદ પહિન્દ વિધિ સંપન્ન થઈ હતી.પહિન્દ વિધિ બાદ ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ નગરચર્યાએ નીકળ્યો હતો. ભગવાનના ભક્તો, જેમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેમણે માનવ સાંકળ બનાવી રથને ખેંચી ધન્યતા અનુભવી હતી. ખેડબ્રહ્મા શહેરમાં ગામ વિસ્તારમાં આવેલ રાધાકષ્ણ મંદિરથી હર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત આજે ૩૩ મી રથયાત્રા ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાઈ હતી.

વહેલી સવારથી ખેડબ્રહ્મા તથા આસપાસના લોકો ઠાકોર મંદિરે આવી ગયા હતા અને ભગવાનની પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો.ભગવાન જગન્નાથની ધનસુરા મુકામે રથયાત્રાનો પ્રારંભ ધનસુરા રામજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યો હતો.ધનસુરા રામજી મંદિરથી ચાર રસ્તા ત્યાંથી ધનસુરા કોલેજ રોડ તરફ જઈને લાખણેચી માતાના મઢ રબારીવાસ ધનસુરા વિસામો કરીને મામેરુ એકતા મિત્ર મંડળ તરફથી ભરવામાં આવ્યું હતું.આ રથયાત્રામાં ધનસુરા ના હજારો માઈ ભક્તો જાેડાયા હતા અને ભગવાનની ભક્તિમાં લીન થયા હતા અને ધનસુરા ચાર રસ્તા માઈ મંડળ દ્વારા લીંબુપાણીની સુંદર વ્યવસ્થા દરેક માઈભક્ત માટે કરવામાં આવી હતી.મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution