ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી ઋષભ પંતે ધોનીનો સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો
21, જુન 2025 1188   |  

હેડિંગ્લી (લીડ્સ) : એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમ, લીડ્સ ખાતે રમાઈ રહી છે. શનિવારે મેચના બીજા દિવસે ભારતના ઉપ-કપ્તાન ઋષભ પંતે ઇંગ્લેન્ડના બોલરોને કડક પાઠ ભણાવ્યો અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 7મી સદી પૂર્ણ કરી. આ શાનદાર સદી સાથે પંતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો એક મોટો રેકોર્ડ તોડ્યો. ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ દરમિયાન, ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સદી ફટકારીને એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો. આ સદી સાથે, પંત હવે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે. પંતના નામે ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી છે. તેણે મહાન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે, જેના નામે 6 સદી છે. રિદ્ધિમાન સાહા આ પ્રતિષ્ઠિત યાદીમાં 3 સદી સાથે ત્રીજા સ્થાને છે, ત્યારપછી ભૂતપૂર્વ ક્રિકેટર ફારુક એન્જિનિયર, સૈયદ કિરમાની અને બુધી કુન્દ્રાન છે. ભારતના ડાબા હાથના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામેની લીડ્સ ટેસ્ટમાં શોએબ બશીરના બોલ પર સિક્સર ફટકારીને પોતાની 7મી ટેસ્ટ સદી પૂર્ણ કરી. આ ઇનિંગમાં તેણે અત્યાર સુધીમાં ૧૪૬ બોલનો સામનો કર્યો છે અને ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા છે. સદી પૂરી કર્યા પછી, પંતે એક ખાસ ઉજવણી કરી અને ફ્રન્ટ ફ્લિપ કરીને સદીની ઉજવણી કરી.

 બોક્સ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દ્વારા સૌથી વધુ ટેસ્ટ સદીઓ

૧. ઋષભ પંત - ૭ સદી

૨. એમએસ ધોની - ૬ સદી

૩. રિદ્ધિમાન સાહા – ૩ સદી

૪. ફારુક એન્જિનિયર - ૨ સદી

૫. સૈયદ કિરમાણી - ૨ સદી

6. બુદ્ધિ કુન્દ્રાન - 2 સદી


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution