લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
2376
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા. ૨૩ જૂનથી ૨૫ જૂન, ગુરૂવાર સુધી યોજાશે. શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે બી.એન. હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૪માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે. વડનગરમાં આંગણવાડીમાં બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-૧૧ સુધીના ૩૮૯ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી શાળા પ્રવેશ કરાવશે. ૨૦૦૩ના વર્ષથી શરૂ થયેલા શિક્ષણ સેવા યાત્રાના આ ૨૪માં વર્ષના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સમાં રાજ્યની ૩૮૪૦૦ શાળામાં કુલ મળીને ૨૮ લાખ ૫૮ હજાર જેટલા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે. તદનુસાર, જે બાળકોની ઉંમર ૧ જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને ૬ વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં અને જે બાળકની ઉંમર ૧ જૂનના રોજ ૬ વર્ષથી વધુ અને ૭ વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૮ પાસ કરનાર બાળકોને ધોરણ-૯ માં અને ધોરણ-૧૦ પાસ કરનાર બાળકોને ધોરણ-૧૧ માં પ્રવેશ અપાશે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીએ, આઈએએસ, આઈપીએસ, આઈએએફ અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ સહિત ૪૬૫ જેટલા મહાનુભાવો પ્રવેશોત્સવ કાર્યર્ક્મમાં સહભાગી થઈને શાળાએ શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે. આ શાળાપ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવો શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતીક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધીઓની સમિક્ષા શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી) સાથે બેસીને કરશે. સમગ્ર રાજ્યમાં આ શાળા પ્રવેશોત્સવમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (એએમસી), વાલીઓ અને ગ્રામજનોની જન ભાગીદારીથી બાળકોનું શાળા નામાંકન ઉત્સવમય અને પ્રેરક બનશે.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઉપમુખ્યમંત્રી સંઘવી અડાલજ કુમાર શાળામાં બાળકોને પ્રવેશ અપાવશે
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ” દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં આવતીકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવશે. અડાલજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યત્વે માણેકબા કૃષિ વિદ્યાલય, અડાલજ કુમાર પ્રાથમિક શાળા અને અડાલજ કન્યા પ્રાથમિક શાળાના આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ધોરણ-૯ અને ૧૧ ના નવા પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવશે. ઉપમુખ્યમંત્રીના હસ્તે ભૂલકાઓનું નામાંકન કરાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
પ્રવેશોત્સવ ખાલી એક દિવસનો કાર્યક્રમ બનીને રહી ગયો: ડો. કરન બારોટ
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તારીખ ૨૩, ૨૪ અને ૨૫ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. ધોરણ એકમાં બાળકને એડમિશન અપાવીને તેના ફોટા, વિડિયો અને રીલ બનાવીને વાયરલ કરવામાં આવે છે પરંતુ એ જ બાળકો ધોરણ ૧૦ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ લઈને પહોંચે છે કે નહીં, શું એની દેખરેખ સરકાર દ્વારા રાખવામાં આવે છે કે નહીં, આ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે તમે પ્રવેશ તો અપાવો છો, પરંતુ સારા શિક્ષણની ગુણવત્તા, નિયમિત હાજરી, સારુ પરિણામ, શાળામાં સારા ઓરડા, શિક્ષકો છે કે નહીં, શૌચાલય છે કે નહીં, એની દેખરેખ સરકાર રાખતી નથી. પ્રવેશોત્સવ ખાલી એક દિવસનો કાર્યક્રમ બનીને રહી ગયો છે.