/
શરમ કરો નેતાઓ કૃષ્ણપૂરાનું કોઈ નથી!?

નડિયાદ : નડિયાદના સલુણ ગામના કૃષ્ણપુરા વિસ્તારમાં વર્ષોથી રોડની માગણી પડતર છે. નડિયાદ શહેરથી નજીકના ગામમાં આ અસુવિધા ગ્રામજનો માટે મુશ્કેલીરૂપ બની છે. આ વિસ્તારના નાગરિકોએ ખેડા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માગ કરી છે.  

ગ્રામજનોએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, અમે કૃષ્ણપૂરાના રહીશો શરમ સાથે જણાવીએ છીએ કે, આઝાદીને આટઆટલાં વર્ષો વીતી ગયાં છતાં હજુ સુધી અમારાં વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અમારાં વિસ્તારમાંથી ચૂંટાતા નેતાઓ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ માટે આ શરમની વાત છે.

વધુમાં અરજીમાં જણાવ્યુ છે કે, નડિયાદથી ફક્ત ૬થી ૭ કિલોમીટર દૂર આવેલાં સલુણ ગામનો અવિકાસીલ વિસ્તાર એટલે કૃષ્ણપૂરા. કૃષ્ણપૂરા વિસ્તારમાં જવા માટે નડિયાદ-ડાકોર રોડ પર સલુણથી ૫૦૦ મીટરના અંતરે રસ્તો પડે છે. કેનાલની પાસે પડતાં આ રસ્તામાં પ્રવેશ્યાં બાદ આશરે ૨ કિલોમીટર આગળ જતાં અમારો વિસ્તાર આવે છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. આ તમામ લોકોને બહાર આવવા-જવા માટે આ મુખ્ય રસ્તો છે, પરંતુ આ રસ્તા પર પાકો ડામરનો રોડ ન બનાવ્યો હોવાથી અમને ખૂબ જ તકલીફ પડી રહી છે.

ચોમાસા દરમિયાન જ્યારે ગ્રામજનો ત્યાંથી પસાર થતાં હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં કાદવ અને પાણી ભરાયેલાં હોય છે, જેથી ત્યાંથી પસાર થવંુ ખૂબ જ મુશ્કેલ બને છે. બાળકોને શાળાએ જવામાં, જ્યારે રહીશોને ગામમાં નાના-મોટાં કામો માટે જવામાં ભારોભાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યાંથી નીકળતી સમયે લપસી પડવાની અને બાઇક સ્લીપ થવા સહિત અકસ્માતો થઈ શારીરિક નુકશાન થવાની ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. તેમજ દર ચોમાસામાં અકસ્માતથી લોકોને ઈજાઓ પહોંચવાની ઘટના પણ સામાન્ય બની ગઈ છે. તેવાં સંજાેગોમાં હવે આ રસ્તા પર વહેલામાં વહેલી તકે પાક્કો ડામરનો રસ્તો બનાવવામાં આવે તેવી અમારી વિસ્તારના રહીશોની માગ છે. આ ઉપરાંત પોતાની રજૂઆતમાં ગ્રામજનોએ જણાવ્યંુ છે કે, આગામી ૪ મહિનામાં રોડ નહીં બનાવાય તો અમે કૃષ્ણપૂરા વિસ્તારના નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સ્થાનિક સ્વરાજથી માંડી આગામી ભવિષ્યમાં આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશું. આ તમામ માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત સરકારી હોદ્દેદારો અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓ જવાબદાર રહેશે, તેવો ઉલ્લેખ પણ કર્યો છે. ત્યારે હવે જિલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક આ બાબતનું સંજ્ઞાન લઈ ગ્રામજનોને રોડની સુવિધા આપવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution