લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુન 2026 |
2475
ઓમાનના રાસ અલ હદ દરિયાકિનારા પાસે દરિયામાં એક જહાજ અચાનક ડૂબી ગયું હતું.આ હોડીમાં ૧૪ ભારતીય નાવિકો સવાર હતા.
ત્યારબાદ ત્યાં મોટા પાયે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકન નૌકાદળે આ કટોકટીની પરિસ્થિતિ વિશે દરિયાકાંઠાના અધિકારીઓ અને ભારતીય નૌકાદળને જાણ કરી હતી, જેના પછી તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને તમામ ૧૪ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
મળેલી માહિતી અનુસાર, આ ઘટના ૧૪ જૂનની સવારે ઓમાનના રાસ અલ હદથી લગભગ ૮૦ નોટિકલ માઈલ પૂર્વમાં બની હતી. માહિતી મળી હતી કે એક પરંપરાગત જહાજ દરિયામાં મુશ્કેલીમાં છે અને તે ડૂબી જવાનું જાેખમ છે. આ જહાજ પર કુલ ૧૪ ભારતીયો સવાર હતા.પરિસ્થિતિની ગંભીરતાને જાેતા અમેરિકન નૌકાદળનું P-8 દરિયાઈ સર્વેલન્સ વિમાન ઘટનાસ્થળે પહોંચ્યું હતું. વિમાને તાત્કાલિક દરિયામાં એક લાઈફ રાફ્ટ ફેંકી હતી. અમેરિકન નૌકાદળે તેમની દેખરેખ દરમિયાન જાેયું કે જહાજ પર સવાર લોકો સુરક્ષિત રીતે લાઈફ રાફ્ટમાં સવાર થઈ ગયા હતા.ત્યારબાદ આસપાસ હાજર જહાજાે પાસેથી પણ મદદ માગવામાં આવી હતી. અમેરિકન નૌકાદળના P-8 વિમાને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજવાળા વ્યાપારી જહાજ ‘‘MV Jabal Ali 9’ને રાહત કાર્યમાં સામેલ થવા વિનંતી કરી હતી. આ જહાજ તે સમયે સોહારથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું.