લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026 |
1386
પુણેના ટ્રેકર અને બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે મંગળવારે તેની મંગેતર સિયા ગોયલ (૨૦) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (૨૨)ની ધરપકડ કરી. બંને પર પ્લાનિંગ હેઠળ કેતનની હત્યાનો આરોપ છે. કેતન ૧૮ જૂને તેની મંગેતર સાથે ટ્રેકિંગ પર ગયા હતા. બાદમાં તેમનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા અને તેના પ્રેમીએ પુણેના લોહાગઢ કિલ્લા પરથી કેતનને લગભગ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો માર્યો હતો. બાદમાં તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો.૨૬ વર્ષીય કેતન પુણે જિલ્લાના ગહુનજેના રહેવાસી હતા અને પરિવારની રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર હતા. જ્યારે સિયા પુણેના એક મસાલા વેપારીની પુત્રી છે. બંનેના આ વર્ષે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા એક પેલેસમાં લગ્ન થવાના હતા.પુણે ગ્રામીણ પોલીસના એસપી સંદીપ સિંહ ગિલ અનુસાર, કેતન ૧૮ જૂનની સવારે તેની મંગેતર સાથે તેનો પ્રી-બર્થડે સેલિબ્રેટ કરવા માટે લોહાગઢ કિલ્લા પર ગયો હતો. સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે તે ખાઈમાં પડ્યો.સિયાએ લોનાવલા ગ્રામીણ પોલીસને જણાવ્યું હતું કે કેતન ટ્રેકિંગ દરમિયાન ભારે પવનમાં ફોટો પાડી રહ્યો હતો.