/
પોલીસ રેડમાં ભાગવા જતાં પટકાયેલ યુવાનનું મોત

વડોદરા, તા.૪

શહેરના કાલુપુરા મટન માર્કેટ સામે નવા અતિથિગૃહ પાસે જુગાર રમાઈ રહ્યાની બાતમી સિટી પોલીસ મથકને મળતાં પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન એક યુવાન ભાગવા જતાં બિલ્ડિંગના ધાબા પરથી પાઈપ વડે ઉતરવા જતાં તે નીચે પટકાયો હતો. જેમાં તેને શારીરિક ગંભીર ઈજાઓ થતાં તેમને પોલીસ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ પોલીસે માર માર્યો હોવાના આક્ષેપો કરી પોલીસ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે આજે સવારે હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે હંગામો મચાવ્યો હતો અને મોડી સાંજ સુધી પોસ્ટ મોર્ટમ થયેલ મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ બનાવને પગલે કોલ્ડરૂમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. જા કે, ભારે મથામણ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સમાજના આગેવાનો સાથે ચર્ચા બાદ મોડી રાત્રે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. 

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના સમયે કાલુપુરા, મટર માર્કેટ સામે આવેલ સેવાસદન દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા અતિથિગૃહની બિલ્ડિંગ ખાતે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવા અંગેની બાતમી સિટી પોલીસ મથકને મળી હતી. સિટી પોલીસ મથકના પીએસઆઈ નિનામા તેમાન સ્ટાફ સાથે ઉપરોક્ત જુગારના સ્થળે પહોંચી જઈને રેડ કરી હતી. પોલીસની એન્ટ્રીથી જુગાર રમતા શખ્સો ભાગદોડ કરવા લાગ્યા હતા એ દરમિયાન હાથીખાના દરગાહ પાસે રહેતા ભોલુ ઉર્ફે અખ્તર હુસેન શેખ (ઉં.વ.૪પ) બિલ્ડિંગના ધાબા પરથી પીવીસી પાઈપ વાટે પોલીસની ધરપકડથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન ભોલુ શેખ નીચે જમીન પર પટકાયો હતો અને તેને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ભોલુને પોલીસે પકડી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બીજી તરફ મૃતક પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે માર મારવાથી ભોલુ શેખનું મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. આ બાબતે પીએસઆઈ નિનામા સાથેના આક્ષેપો બેબુનિયાદ અને ખોટા હોવાનું પોલીસે જણાવ્યું હતું અને જે કંઈ હશે તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સત્ય બહાર આવશે તેમ પીએસઆઈ નિનામાએ જણાવ્યું હતું. 

જા કે, મૃતકના પરિવારજનોએ પીએસઆઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવાની જીદ કરી હતી. મોડી સાંજ સુધી મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો નહોતો. જા કે, મૃતક ભોલુ શેખનું કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખતાં મામલો વધુ પેચીદો બન્યો હતો. જેના કારણે હોસ્પિટલનો કોલ્ડરૂમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. આ સાથે મૃતકના રહેઠાણ-વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જા કે, ભારે મથામણ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સમાજના આગેવાનો સાથે ચર્ચા બાદ મોડી રાત્રે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution