લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
1881
રાત્રિના સમયે બંધ દુકાનો અને મકાનોને ટાર્ગેટ કરતી ગેંગે આ વખતે પાંડેસરા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. ગીતા નગર ખાતે આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો ૭.૪૨ લાખના ચાંદીના દાગીના ચોરી કરી રફુચક્કર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, તેરેનામ રોડ પર ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીના દાગીના અને મૂતિર્ઓની એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ સોની છે. ચોરીની ઘટના રાત્રિના આશરે ૨ વાગ્યાના અરસામાં બની હતી. અવાજ ન થાય તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરૂ કાપ્યું હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ દુકાનમાં ડિસ્પ્લેમાં રખાયેલા ચાંદીના દાગીના ચોરી લીધા હતા. દુકાનમાં એક લોકર કહો કે નાની તિજોરી પણ છે. આ તિજોરી ખોલવા પણ તસ્કરે પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો ન હતો. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્વેલર્સની આ દુકાન પતરાના શેડ વાળી હોવાથી, ચોર ઈસમે દુકાનની ઉપરના પતરાને કોઈ કાતર અથવા અન્ય હથિયાર વડે કાપ્યા હતા. ત્યારબાદ તે પતરાં તોડીને દુકાનની અંદર પ્રવેશ્યો હતો અને અંદર રાખેલા ચાંદીના અલગ-અલગ દાગીના તેમજ મૂતિર્ઓની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. દુકાનદાર દ્વારા પહેલા જણાવાયું હતું કે, ૩૦ કિલોથી વધું ચાંદીના ઘરેણાંની ચોરી થઈ છે. જ્યારે તેની પાસે બિલ અને હિસાબ મંગાયો તો તે ૪ કિલો ૯૦૦ ગ્રામ જ નીકળી હતી. બિલ અને હિસાબ અનુસાર પોલીસે ૭.૪૨ લાખનાં મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રિષ્ના જ્વેલર્સને ચોથી વખત તસ્કર દ્વારા નિશાન બનાવાઇ
દુકાનદાર મનોજ ભગવાનદાસ સોનીના જણાવ્યા અનુસાર, આ દુકાનમાં છ મહિના પહેલાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે માલિક કે જાગૃત નાગરિકો સમયસર ત્યાં પહોંચી જતાં તસ્કરો પોતાનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને નાસી છૂટ્યા હતા. તે પૂર્વે વર્ષ ૨૦૨૩ કે ૨૦૨૪માં ચોમાસા દરમિયાન દુકાનનું શટર ઊંચું કરીને ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૫માં શિયાળાની ઋતુમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. આમ, મારી દુકાનમાં ચોરી કરવાનો આ ચોથો પ્રયાસ હતો, જેમાં આ વખતે ચોરો સફળ રહ્યા છે.