સામાજીક સમસ્યાનું નિરાકરણ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2024  |   કેયુર જાની   |   28908

તમે દસ વર્ષની ઉંમરના થયા ત્યારથી પેન વડે લખો છો. પેન ખતમ થયા પછી શું કરો છો ! નવી રીફીલ નાખો છો કે નવી પેન ખરીદો છો ? તૂટી ગયેલી જૂની પેનનું શું કરો છો ? અત્યાર સુધીની જિંદગીમાં તમે કેટલી પેન વાપરી ચુક્યા છો ? જાે આ તમામ પેન ઉપયોગ બાદ વૃક્ષ બની જાય તો ? આપણે વધતા જતા તામપાન માટે ચિંતા વ્યક્ત કરીયે છીએ પરંતુ આજ સુધી કેટલા વૃક્ષ વાવ્યા ? જાે આપણી વાપરીને ફેંકી દીધેલી પેન આપોઆપ વૃક્ષ બની જાય તો ? છે ને કમાલની વાત !

સામાજિક સમસ્યાઓ ઉપર વાત કરનાર બહુ મોટો સમૂહ છે. પરંતુ સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્ન કરનારા જૂજ લોકો છે. કેરળના અર્નાકુલમના લક્ષ્મી મેનન તે જૂજ લોકો પૈકી એક છે જે સામાજિક સમસ્યા ઉપર વાત કરવાને બદલે તે સમસ્યાનો ઉકેલ શોધે છે. વ્યવસાયથી ડિઝાઈનર લક્ષ્મી મેનન સમાજસેવા પણ કરે છે. જે એક આદર્શ યુવા સમાજસેવક છે. જેમના બોલાયેલા શબ્દો કરતાં તેમણે કરેલા સમાજ ઉપયોગી કામ વધુ અસરકારક રીતે બોલે છે. તે કહે છે કે તમે રોજેરોજ મહાન કાર્ય નથી કરી શકવાના પરંતુ દિનચર્યામાં નાના કાર્યો તો રોજ કરતા જ હોવ છો. તેવા નાના કામના માધ્યમથી તમારા દ્વારા કોઈ મોટું કામ આકાર પામે તો તમને ચોક્કસ ખુશી થશે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે વૃક્ષની સંખ્યા વધારવી જ એકમાત્ર ઉકેલ છે. લક્ષ્મી મેનને વિચારવાનું શરુ કર્યું કે કોઈ વ્યક્તિને વૃક્ષ ઉછરવું હોય તો સમય કાઢીને વૃક્ષારોપણ કરવું પડે. તે માટે જમીન પણ હોવી જાેઈએ ઉપરાંત સમય કાઢીને વૃક્ષ રોપવાની પ્રક્રિયા કરવી પડે. રોપણી કર્યા પછી વૃક્ષ ઉછરે નહીં ત્યાં સુધી તેની માવજત પણ કરી શકે. જે માટે લોકો પાસે સમય નથી હોતો તેમજ જમીન નથી હોતી. છતાં વૃક્ષની સંખ્યા વધારવા માટે સામાન્ય વ્યક્તિને પણ સાથે જાેડવા શું કરી શકાય. થોડું વૈચારિક મંથન કર્યા પછી લક્ષ્મી મેનનને વિચાર આવ્યો કે દરેક વ્યક્તિ પેન વાપર્યા પછી તેને ફેંકી દે છે. માટે જાે પેનને જ પ્રકૃતિ સાથે જાેડી દેવામાં આવે તો પેન વાપરનાર દરેક વ્યક્તિ પર્યાવરણના જતન માટે યોગદાન આપી શકે.

લક્ષ્મી મેનને પેન બનાવવાનો વિચાર કર્યો જે પર્યાવરણને લાભદાયક હોય. પેનમાં કોઈ વૃક્ષના બીજ હોય જેને ઉપયોગ બાદ ફેંકી દેવામાં આવે તો કચરામાં ભળીને પણ તે વૃક્ષમાં પરિણામે. આખરે લક્ષ્મી મેનને 'પેન વીથ લવ' શીર્ષક હેઠળ એક અભિયાનની શરૂઆત કરી. વર્ષ ૨૦૧૬માં પર્યાવરણ દિવસે લક્ષ્મી મેનને કાગળની બનેલી એક પેન દુનિયા સમક્ષ મૂકી. કાગળની બનેલી એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી આ પેનની ટોચ ઉપરના કાગળમાં વૃક્ષનું બી બીડવામાં આવ્યું હતું.

લક્ષ્મી મેનન માટે આ પેન બનાવવાનું કામ આસાન નહતું રહ્યું. પેનમાંથી વૃક્ષને જન્મ આપવાનું કામ કરવાનું હતું. જે માટે સૌ પ્રથમ તો પેન તેવા મટિરિયલમાંથી બનેલી હોવી જાેઈએ કે વાપરનારને આસાની રહે. જેથી કાગળની પેન બનાવવાનો વિચાર કરવામાં આવ્યો. કાગળથી બનેલી પેનને મજબૂતી આપવાની હતી સાથે ટોચ ઉપર વૃક્ષનું બીજ બીડવાનું હતું. સામાન્ય રીતે વૃક્ષના બીજ મોટા આકારના જાેવા મળે છે જેથી પેનનો આકાર બદલાઈ જતો. વળી બીજ તેવું હોવું જાેઈએ કે આસાનીથી વૃક્ષમાં તબદીલ થઇ શકે. જેથી લાંબા રિસર્ચ બાદ કાગળની બનેલી પેનની ટોચ ઉપર અગત્સ્થ

વૃક્ષનું બીજ બીડવાનો ર્નિણય લેવામાં આવ્યો. અગત્સ્થ વૃક્ષનું બીજ નાના આકારનું હોય છે તથા તે આસાનીથી ઉછરે છે. અગત્સ્થ વૃક્ષનો આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગ થાય છે. જેથી લક્ષ્મી મેનને અગત્સ્થ વૃક્ષના બીજને કાગળની બનેલી પેનની ટોચ ઉપર કાગળમાં બિડયું.

પેન વિથ લવને લોકો સમક્ષ મૂકતાં જ લોકોએ તેને ખુબ આવકાર આપ્યો. પેહલા ત્રણ મહિનામાં જ એક લાખ પેનનું વેચાણ થઇ ગયું. લક્ષ્મી મેનને પેન બનાવવા માટે નિરાધાર મહિલાઓને કામ સોંપ્યું. પેન બજારમાં મુક્યા બાદ વર્ષો વર્ષ તે પેનની માંગ વધી રહી છે. વાપરીને ફેંકી દેવામાં આવેલી અનેક પેન હાલમાં વૃક્ષ બની ચુકી. એક સમય ઉપર પ્લાસ્ટિકની પેન વાપરનાર અનેક લોકો હવે પેન વિથ લવ શીર્ષક હેઠળ બનેલી પેન વાપરી પર્યાવરણના જતનમાં સહભાઈ બની રહ્યા છે. અંગ્રેજીમાં કહેવત છે કે કોઈ વ્યક્તિને તમે માછલી આપશો તો તેના એક દિવસના ભોજનની સમસ્યા ઉકલી જશે. પરંતુ જાે તેને માછલી પકડવાની તાલીમ આપશો તો તે જીવનભર પોતાના ભોજનની વ્યવસ્થા જાતે કરી શકશે. તે રીતે આજે દક્ષિણ ભારતમાં કેટલીક ઓફિસ તેમજ શાળાઓમાં માત્ર આ કાગળની પેનના ઉપયોગ ઉપર જ ભાર મુકવામાં આવે છે. જેને કારણે પર્યાવરણની જાળવણીની દિશામાં એક સફળ પરિણામ મળતું જાેઈ શકાય છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution