લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુન 2026 |
2376
નાસિરનગરમાં સાત ગુનેગારોનાં ઘર હોવાથી સો ઘરનાં ડીમોલિશનમાં પોતાની હાજરી હોવાનું જસ્ટીફાય કરવા એસઓજીએ હવાતિયા શરૂ કર્યા છે. પોલીસ અધિકારીઓ ત્રણ દિવસથી ઓફિસમાં દેખાયા નથી, જ્યારે કર્મચારીઓને પણ દસ-બાર દિવસ સુધી કોઇ મોટી કામગીરી નહીં કરવા બંધ મોઢે સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. વેડરોડનાં નાસિરનગર ડીમોલિશનનો વિવાદ વકરી રહ્યો છે. સો જેટલા પરિવારોનાં માથેથી કલાકોની અંદર છત છીનવી લેવાના અમાનીય કૃત્યમાં પાલિકા અને પોલીસ અધિકારીઓનો પગ કુંડાળામાં પડ્યો છે. પાલિકાના અધિકારીઓ ડીમોલિશન અમે કર્યું નથી એમ કહી પોતાની ચામડી બચાવી રહ્યા છે ત્યારે પોલીસ અને તેમાંય એસઓજીની ત્યાં હાજરી સૌથી આશ્ચર્યજનક હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રીલ્સ બનાવવામાં ઉસ્તાદ અને ખડેપગે રહેતાં એસઓજીનાં અધિકારીઓએ ત્રીસમી તારીખે કરાયેલાં ડીમોલિશન દરમિયાન તેમનો વીડિયો કોઇ ઉતારે નહીં એની વિશેષ તકેદારી રાખી હતી. સ્થાનિક ટીવી ચેનલવાળા શૂટિંગ કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને રીતસર તગેડી મૂક્યા હતાં.
ડીમોલિશનનો વિવાદ વાયા ગાંધીનગર છેક દિલ્હી પહોંચી ચૂક્યો છે ત્યારે હવે એસઓજીનાં અધિકારીઓ દ્વારા પચાસ કર્મચારીઓ સાથેની ડીમોલિશન સ્થળે હાજરી જસ્ટિફાય કરવા હવાતિયા શરૂ કરાયા છે. એસઓજી તરફથી પ્રેસનોટમાં એવું જણાવાયું છે કે, ડીમોલિશન કરાયું એ નાસિરનગરમાં સાત ગુનેગારો રહેતા હતાં. આ ગુનેગારોમાં સમીર માંડવો અને મોહસીન કાલિયો ગુનાખોરીમાં સક્રિય હતાં. સમીરખાન ઉર્ફે સમીર માંડવા સલીમ પઠાણ વિરુદ્ધ હત્યાની કોશિષ, પ્રોહિબિશન અને તડીપાર ભંગ સહિતનાં કુલ ૮ ગુનાઓ નોંધાયેલા છે.
આ જ રીતે મોહસીનખાન ઉર્ફે કાલિયો પઠાણ, ઝુબેરખાન હારૂનખાન પઠાણ, બાનુબેન લાકડાવાલા, સદ્દામ કલન શાહ, તૈયબ અજીઝ શેખ, આસીફ અબ્દુલરઝાક શેખ વિગેરેનાં નામ સાથે ગુનાઓની યાદી પણ એસઓજી દ્વારા આપવામાં આવી છે. આ અખબારી યાદી સાથે એસઓજી દ્વારા એવું કહેવાનો પ્રયાસ કરાયો છે કે, નાસિરનગરનું ડીમોલિશન યોગ્ય છે, આ ગુનેગારો હોવાથી એસઓજીની આખી ફોજ સો ઘર તોડાયા ત્યાં સુધી ત્યાં ખડે પગે રહી હતી. ડીમોલિશનનાં વિવાદનો રેલો પોતાના પગ પળે એવા એ પહેલા પાળ બાંધવા એઓજીએ કરેલો આ પ્રયાસ હવે તેના જ ગળાનો ગાળિયો બની ન જાય તો જ નવાઈ એવું જાણકારો કહી રહ્યા છે.
અઢી વર્ષ પહેલાં ઝૂપડાં ખાલી કરાવાયા ત્યારે પણ એસઓજીનું જ પ્રોટેક્શન હતું
પાલિયા પરિવારની માલિકીની તાપી તટે આવેલી આ જમીન ઉપર ચારેક દાયકાથી કાચા પાકા મકાનો છે. જીલાની બ્રિજ બન્યા બાદ આ જમીન સોનાની લગડી જેવી થઇ જતાં બિલ્ડરોને લાળ ટપકવા માંડી હતી. જાે કે, પાલિયા પરિવારની શોર્ટ ટર્મ પેમેન્ટ કન્ડિશનને કારણે કોઈ હાથ નાંખી શક્યું ન હતું. એવામાં પોલિટિકલ પાવરમાં આવી ગયેલા બગદાણા અને લખાણીએ આ ફાઇલ હાથ પર લઇ લીધી હતી. તેઓએ ફાસ્ટ પેમન્ટનાં વાયદે સોદો કર્યો અને પછી એ જમીન પરથી મકાનો હટાવવા માંડ્યા હતા. અઢી વર્ષ અગાઉ પણ આ સ્થળે મોટું ડીમોલિશન થયું હતું. જાે કે એ સમયે પાલિકા નહીં પણ પોલીસ સૂત્રધાર હતી. આ જ એસઓજીની ફોજે એક અઠવાડિયા સુધી નાસિરનગરમાં કેમ્પ કરી મકાનો ખાલી કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એ સમયે બિલ્ડરોએ પોલીસની ધાક હેઠળ કબજેદારોને થોડું થોડું વળતર ચૂક્યું હોય કોઇ મોટો વિવાદ થયો ન હતો.