લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026 |
2178
સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને ક્રાંતિકારી ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની ચાર દીવાલો વચ્ચે દિવસ-રાત પરસેવો પાડતી ગૃહિણીઓનું યોગદાન કોઈ પણ નોકરીયાત પુરુષ કે સ્ત્રી કરતાં સહેજ પણ ઓછું નથી. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે મોટર અકસ્માત વળતરના એક કેસની સુનાવણી દરમિયાન ગૃહિણીઓને સીધા રાષ્ટ્રનિર્માતા તરીકે નવાજ્યા છે. અદાલતે સદીઓ જૂની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહિણીઓ દ્વારા અપાતી સેવાઓ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ તેનું મોટું આર્થિક અને સામાજિક મૂલ્ય છે. જાે કોઈ માર્ગ અકસ્માતમાં ગૃહિણીનું મૃત્યુ થાય કે તેઓ કાયમી અપંગ બને, તો તેમના દ્વારા થતાં ઘરેલું સેવાઓના નુકસાન પેટે વળતરની ગણતરી કરવા માટે લઘુત્તમ ધોરણ દર મહિને રૂ.૩૦,૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીના તમામ માપદંડો કરતાં ઘણું વધારે છે.એક ગૃહિણીનું એના પરિવારમાં યોગદાન માત્ર પરિવાર પૂરતું જ સીમિત નથી. એ દેશના માનવ સંસાધન તથા રાષ્ટ્રનિર્માણમાં પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. આ માટે તેને હોમમેકર કહેવાના બદલે નેશન બિલ્ડર કહેવામાં આવે. જસ્ટિસ સંજય કરોલની અધ્યક્ષતાવાળી બેંચે એક મહત્ત્વનો ચૂકાદો આપતા દરેક પરિવારને લાગુ પડે એવી વાત કરી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ ટીપ્પણી કરી કે, લગ્નનો અર્થ ઘરમાં નોકરાણી લાવવો એવો બિલકુલ નથી. ઘરના જેટલા પણ કામકાજ હોય છે એમાં પતિ અને પત્ની એમ બંનેની સંયુક્ત જવાબદારી હોય છે. જાે કોઈ પત્ની પોતાના કરિયરમાં આગળ વધવા માગે છે તો તે પોતાના સંતાન માટે એક સ્થિર માહોલ નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, પત્ની અને ગૃહિણીનું યોગદાન માત્ર ઘરના કામકાજ પૂરતું જ સીમિત નથી. બાળકોનું ભરણ-પોષણ, પરિવારનો વિકાસ, નવી પેઢીને તૈયાર કરવી અને સમાજના નિર્માણમાં એકસ્ત્રી નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આ માટે એમના કામને આર્થિક અને સામાજિક એમ બંને દૃષ્ટિકોણથી યોગ્ય માન્યતા મળવી જ જાેઈએ. હાઉસવાઈફનું માર્ગ અકસ્માતમાં મોત અને ઈજા થવા પર સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જ્યારે કોઈ અકસ્મતાને કારણે કોઈ પરિવાર પોતાની ગૃહિણીને ગુમાવે છે, ઘરના કામકાજ તથા સ્વજનોની સારસંભાળથી વંચિત થઈ જાય છે તો આર્થિક વળતર નક્કી કરતી વખતે એના યોગદાનનું જરૂરી અને ઉચિત મુલ્યાંકન થવું અતિ જરૂરી છે.