સુરત એરપોર્ટની ફ્લાઇટોમાં ૮૦ ટકાથી વધુ પેસેન્જર લોડ, છતાં કનેક્ટિવિટી વધારવામાં એરલાઇન્સ ઉદાસીન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   1782

સુરતનાં હીરા, કાપડ અને વેપાર-ઉદ્યોગની વૈશ્વિક ઓળખ સામે હવાઈ કનેક્ટિવિટીનો અભાવ લાંબા સમયથી વિકાસના માર્ગમાં અવરોધ બની રહ્યો છે. જાે કે, સુરતથી દેશનાં ચાર મહત્ત્વનાં શહેરો માટેની ફ્લાઇટનાં પેસેન્જર ઓક્યુપન્સીનાં આંકડા હવે એરલાઇન્સ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સામે સીધો સવાલ ઊભો કરે છે કે, જ્યારે હાલની ફ્લાઇટોમાં જ ૮૦ ટકાથી વધુ મુસાફરો મળી રહ્યા છે ત્યારે નવી ફ્લાઇટ શરૂ કરવામાં અને હાલની ફ્રિક્વન્સી વધારવામાં વિલંબ શા માટે? સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને ગોવા વચ્ચેની હવાઈ સેવાઓના આગમન અને પ્રસ્થાનનાં સંયુક્ત પેસેન્જરલોડનાં આંકડા સુરતની મજબૂત હવાઈ માગની સાબિતી આપે છે. ચારેય રૂટ પર ૮૦ ટકાથી વધુ સીટ ઓક્યુપન્સી નોંધાઈ છે. આ આંકડાઓ માત્ર મુસાફરોની સંખ્યા દર્શાવતા નથી, પરંતુ સુરતનાં હવાઈ બજારમાં વિસ્તરણની વિશાળ સંભાવના પણ ઉજાગર કરે છે.

આ ચારેય રૂટમાં બેંગલુરુ ૮૭ ટકા પેસેન્જર ઓક્યુપન્સી સાથે પ્રથમ ક્રમે છે. દેશના અગ્રણી આઇટી, સ્ટાર્ટઅપ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઓળખાતા બેંગલુરુ સાથે સુરતની સીધી હવાઈ કનેક્ટિવિટી માત્ર હીરા અને કાપડનાં વેપારીઓ પૂરતી સીમિત નથી. આઇટી પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ અધિકારીઓ અને વેપારી વર્ગની અવરજવર પણ આ રૂટને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બનાવે છે. આટલી ઊંચી સીટ ઓક્યુપન્સી છતાં ફ્રિક્વન્સી વધારવાની દિશામાં એરલાઇન્સે સક્રિય થવું જરૂરી છે.

દિલ્હી રૂટ પર સૌથી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ થતી હોવા છતાં દરેક ફ્લાઇટમાં ૮૩.૫ ટકા પેસેન્જર લોડ નોંધાયો છે. દિલ્હી દેશની રાજધાની હોવાની સાથે વહીવટી, રાજકીય, વેપારી અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીનું મુખ્ય કેન્દ્ર છે. સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ રૂટની ઉપયોગિતા જાેતાં હાલની ફ્લાઇટ સંખ્યા જાળવી રાખવાની સાથે વધારાની ફ્રિક્વન્સી ઉમેરવાની પણ પૂરતી વ્યાપારી સંભાવના છે. કોલકાતા રૂટ પર પણ ૮૩.૫ ટકા ઓક્યુપન્સી નોંધાઈ છે. જ્યારે પ્રવાસન અને રજાઓ માટે જાણીતા ગોવાના ડાબોલિમ એરપોર્ટની ફ્લાઇટમાં ૮૧.૭ ટકા સીટ ભરાઈ રહી છે. આમ, ચારેય રૂટ પર મુસાફરોની સતત માંગ એરલાઇન્સ માટે સ્પષ્ટ વ્યાપારી સંકેત છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution