સુરત, તા.૫ 

સુરતમાં ૧૭૦૦ થી વધુ કોરોના પોઝીટીવ કેસ છે તેવા હીરા અને કાપડ ઉદ્યોગને ફરી ધમધમતો કરવા નિર્ણય કરાયો છે. સરકારના મંત્રી અને નવસારીના સાંસદે વેપારીઓ વચ્ચે થયેલી બેઠક બાદ હીરા અને કાપડ ઉદ્યોગમાં સરકારના નિયમ અને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરીને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. કોઈ પણ ઉદ્યોગમાં નિયમનો ભંગ કરવામા આવશે તો આકરાં પગલાં ભરવામા આવશે તેવી પણ વાત કરવામા આવી છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં હીરા ઉદ્યોગ બંધ કરવામા આવ્યો છે જ્યારે કાપડ ઉદ્યોગમાં પણ સંક્રમણ વધતાં કાપડ ઉદ્યોગ ચાલુ રાખવો કે નહીં તે અંગે નિર્ણય કરવા મુખ્યમંત્રીએ સુચના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની તાકીદ બાદ આજે સરકારના મંત્રી કુમાર કાનાણીએ હીરા ઉદ્યોગ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે કાપડ ઉદ્યોગના અગ્રણી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉદ્યોગને ધમધમતો કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં હીરા ઉદ્યોગમાં ૧૧૦૩ અને કાપડ ઉદ્યોગમાં ૭૬૫ કોરોના પોઝીટીવ કેસ થઈ ગયાં છે. આ ઉદ્યોગને ચાલુ રાખવા કે બંધ રાખવા તે માટે મુખ્યમંત્રીએ સુરતના પ્રતિનિધિઓને વેપારીઓ સાથેવાત કરીને નિર્ણય કરવા જણાવ્યું હતું.

આજે હીરા અને કાપડ ઉદ્યોગના અગ્રણીઓ સાથે થયેલી બેઠક બાદ સુરતના આ બન્ને ઉદ્યોગને કોવિડની ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ કરીને શ\ કરવા માટેનો નિર્ણય કરવામા આવ્યો હતો. ઉદ્યોગના અગ્રણીઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતુ કે, નિયમનું પાલન કરવામા નહીં આવે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દુકાનદાર અને બહારથી આવતાં તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજ્યાત ડાઉન લોડ કરવાની રહેશે. વેપારીઓએ પણ કોવિડની ગાઈડ લાઈનનું કડક પાલન કરવા માટેની ખાતરી આપી હતી.

કોરોનાના કારણે થયેલા લોકડાઉન બાદ અન લોક વન શરૂ થયું અને છુટછાટ મળ્યા બાદના પંદર દિવસ સુરત માટે ભારે સાબિત થયાં છે. અન લોક બાદ કાપડ અને હીરા ઉદ્યોગ સુપર સ્પ્રેડર્શ જેવા બની ગયાં છે. અત્યાર સુધીમાં કાપડ અને હીરા ઉદ્યોગના ૧૭૦૦થી વધુ લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. હાલમાં હીરા ઉદ્યોગમાં સંક્રમણ વધતાં હીરાના કારખાના બંધ કરાવાયા છે પરંતુ હવે ફરીથી શરૂ થઈ રહ્યાં છે.