લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026 |
1683
દિવ-દમણ ખાતે ફરી પરત ફરેલા ઓડના યુવકનું શંકાસ્પદ મોત થતાં, પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાે કે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહનો પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવવાની તજવીજ હાથ ઘરી છે. પીએમ રીપોર્ટમાં મોતનું સાચુ કારણ ઉજાગર થશે તેમ જાણવા મળે. પ્રાપ્ત વિગત અનુસાર અહિમા ગામે રહેતો દેવેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ (ઉ. વ. ૩૯)ગઈકાલે વહેલી સવારના સુમારે કારમાં તેના મિત્રો સાથે દિવ- દમણ ફરવા માટે ગયો હતો. ત્યાં મોજમસ્તી કરીને રાત્રીના સુમારે પરત ફર્યા હતા. દરમ્યાન દેવેન્દ્રસિંહના ઘરની નજીક આવેલી દુકાનના ખાટલામાંથી આજે વહેલી સવારના સુમારે દેવેન્દ્રસિંહની લાશ મળી આવી હતી. પિતરાઈ ભાઈએ જાેતા જ તેણે તુરંત જ ઘરના સભ્યો અને ૧૦૮ મોબાઈલ વાન-પોલીસને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા. તપાસ કરતા દેવેન્દ્રસિંહ મૃત્યુ પામ્યો હતો. જેથી પરિવારજનો ઓડ આઉટ પોસ્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને દેવેન્દ્રસિંહની હત્યા કર્યા બાદ લાશને ખાટલામાં સુવડાવી હોવાના આક્ષેપ કર્યો હતો. તેની જીભ પણ થોડી બહાર નીકળી ગયેલી મળી આવી છે. જેને લઈને પોલીસે લાશને પીએમ માટે ઓડના સીએચસી સેન્ટર ખાતે મોકલી આપી હતી.