ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી રૂપિયા ૧.૧૧ કરોડનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુન 2026  |   2475

રાજકોટના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલની મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે દરોડા પાડી ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચકાસણી અભિયાન હાથ ધરાયું છે.તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર પ્રકારના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના કુલ ૬,૭૬૬ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૮,૨૨,૬૨૦ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યો.

આ ઉપરાંત મરચું પાઉડર અને હળદર પાઉડરના કુલ ૨૮,૬૭૧ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ૧,૦૨,૮૧,૫૮૫ રૂપિયા થાય છે, પણ સીઝ કરવામાં આવ્યો. આ રીતે કુલ ૩૫,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો, જેની અંદાજિત કિંમત ૧,૧૧,૦૪,૨૦૫ રૂપિયા થાય છે, સીઝ કરવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું, રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જાેખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution