અષ્ટાંગ યોગનું પ્રથમ અંગઃ પાંચ યમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓક્ટોબર 2024  |   ડૉ. કૌશિક ચૌધરી   |   63063

તો, સાંખ્ય દર્શન સમજાવે છે કે પુરુષ કેવી રીતે પ્રકૃતિમાં ફસાઈ ચૂક્યો છે. મુક્તિ માટે પુરુષ યોગ પાસે આવે છે. યોગ તેને કહે છે કે મુક્તિ અનુશાસનપૂર્ણ આચરણથી મળશે. યોગ તેને મનની વૃત્તિઓ અને ક્લેશની જાણકારી આપી તેનાથી મુક્ત થવા વૈરાગ્ય, અભ્યાસ અને સમાધિની સમજ આપે છે. અને પછી પુરૂષને સમાધિ પ્રાપ્ત કરવા આઠ અંગોવાળા અભ્યાસનો યોગ આપવામાં આવે છે, જેને આપણે અષ્ટાંગ યોગ તરીકે ઓળખીએ છીએ. અષ્ટાંગ યોગના આઠ અંગ છે; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ આઠેય અંગો એક ગોળ ચક્ર પર ગોઠવાયેલા હોય તેમ તબક્કાવાર આવે છે. એટલે કે યમને પાળ્યા વિના નિયમ નથી પાળી શકાતા, યમ અને નિયમ વિના આસન સિદ્ધ નથી થતું, અને આસન વિના પ્રાણાયામ. આ રીતે દરેક પહેલું અંગ બીજાની સિદ્ધિ માટેની શરત છે. આજે આ લેખમાં આપણે પાંચ યમને સમજીશું.

યમ પાંચ છે; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચેયને જાતિનો ભેદ રાખ્યા વિના તેમજ પ્રદેશની, સમયની અને કોઈ પરિસ્થિતિની છૂટછાટ લીધા પાળવામાં આવે તો તે મહાવ્રત કહેવાય છે. મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં જૈન દર્શનના મહાવ્રતોની જેમ દરેક વ્રતની બારીક સમજૂતી અને નિયમો આપવામાં નથી આવ્યા. એ બતાવે છે કે યોગ દર્શન જૂનું છે, જેને જૈન દર્શનમાં વિસ્તૃત કરાયું છે. યોગ દર્શનમાં દરેક વ્રત કે યમને તેના પરિણામથી કે તેની અસરથી વ્યાખ્યાયિત કરાયું છે. જેમ કે અહિંસાની સમજમાં એક જ યોગ સૂત્ર છે જે કહે છે, ‘અહિંસામાં પ્રતિષ્ઠિત થવાથી તેની હાજરીમાં સૌ કોઈમાંથી વેરભાવ નીકળી જાય છે.’ હવે, એક પળ થોભી આ વાત પર ધ્યાન કરવાથી આ એક જ વાક્યથી અહિંસાને તેના સ્વરૂપ અને લક્ષ્ય સાથે સમજી લેવાય છે. અહિંસા દ્વેષ અને વેરભાવ મિટાવવાનું સાધન છે. તે એ લક્ષ્ય માટે કરવામાં આવે છે. આ રીતે યોગીને સમસ્ત સંસારના પ્રાણીઓના આત્માથી એકત્વ તરફ ધકેલાય છે.

એવી જ રીતે સત્યને સમજાવવા માટેનું યોગસૂત્ર કહે છે, ‘સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી યોગી કર્મો કર્યા વિના કર્મોનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે.’ ફરીથી, એક વાક્યમાં બધું જ સમજાવી દેવાયુ છે. જે સત્ય છે એ બ્રહ્મ ચેતનાથી જાેડાવાથી, એટલે કે અંતરમાં જે સત્ય અનુભવાય છે એને જ બોલવાથી અને વર્તવાથી તમે ઈશ્વરીય શક્તિથી એક થઈ જાઓ છો. પછી તમે અને બ્રહ્મ એક છો, તમારી ઈચ્છા અને અનુભૂતિ એક છે. તમારો સંકલ્પ જ કાયાર્ન્વિત થતો જાય છે, કારણકે તમારામાં એજ સંકલ્પ પ્રગટ થાય છે જે બ્રહ્મ ચેતનામાં છે, એટલે કે જે સત્ય છે. આમ, તમે અન્ય સંસરીઓની જેમ સ્થૂળ કર્મો કર્યા વિના જ પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા લાગો છો, કારણકે એ સંકલ્પ જ સત્ય હોય છે.

અસ્તેય એટલે કે ત્યાગ. જેના પર તમારો જેટલો અધિકાર છે તેટલું જ લેવું. એનાથી વધુ ન ઇચ્છવું. અસ્તેય માટે કહેવાયું છે કે તેમાં દ્રઢ થવાથી સર્વ રત્નો યોગી પાસે આવે છે. જ્યારે પુરુષ પ્રકૃતિની કામના છોડતો જાય છે, ત્યારે પ્રકૃતિ તેને લલચાવવા માટે વધુને વધુ આકર્ષણો તેના તરફ લઈને આવે છે. જાે પુરુષ તેની બિલકુલ ઈચ્છા નહીં કરે, તો પ્રકૃતિ તેની દાસ થઈ જશે.

બ્રહ્મચર્ય માટે કહેવાયું છે કે તેમાં સ્થિર થવાથી શક્તિ મળે છે. તો, જૈન મહાવ્રતની જેમ કોઈ ભારેખમ કઠોર નિયમો બતાવવાના સ્થાને અહીંયા એક વાક્યમાં કહી દેવાયુ છે કે એ કાર્ય જેનાથી તમે પોતાનામાં આંતરિક શક્તિ વધતી અનુભવો છો, જેનાથી પ્રાણ શક્તિ સશકત થતી અનુભવો છો તે બ્રહ્મચર્ય છે. હવે એ શું કરવાથી થાય છે, અને શું કરવાથી નહીં, બ્રહ્મચર્યમાં શું આવે અને શું ન આવે, એ બધું તમારે આ શક્તિ વધવાના માપદંડ પર જાતે પ્રામાણિકપણે જાેઈ લેવાનું. આ યોગસૂત્ર મહાન છે.

અપરિગ્રહ માટેનું યોગસૂત્ર કહે છે, ‘અપરિગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતિ થાય છે.’ અપરિગ્રહ એટલે જરૂર વિનાની વસ્તુઓ એકઠી ન કરવી. ભંડાર ન કરવા. જાે તમે આ જીવનની જરૂરિયાતો ઓછી કરતા જાઓ છો, કોઈ વસ્તુનો સંગ્રહ નથી કરતા, તો તમારું મન આગળની દિશામાં સાંસારિક વસ્તુઓના અર્જનમાં અને સંગ્રહમાં દોડતું અટકી જાય છે. મનમાં એક શૂન્યાવકાશ ઉત્પન્ન થાય છે, અને જ્યારે આગળ જવા કંઈ ન મળે, ત્યારે મન એ શૂન્યાવકાશને ભરવા પાછળની દિશામાં જઈ પૂર્વ જન્મની સ્મૃતિઓ ખોલવા લાગે છે. આ રીતે મનને આગળની દિશામાં ગતિમાન કરતાં અટકાવી લેવાથી તે પાછળની દિશામાં ગતિશીલ થઈ તમારા આત્માના ભૂતકાળને ખોલવા લાગે છે. એક વાક્યમાં કેટલું સચોટ સમજાવી દીધું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution