૨૫૦ કરોડની પ્રોજેક્ટ લોન આપવાનું કહીને ગઠિયાઓએ ફી પેટે ૧.૧૧ કરોડ પડાવી લીધાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026  |   2871

૨૫૦ કરોડની પ્રોજેક્ટ લોન આપવા કહી ફી પેટે ૧.૧૧ કરોડ રૂપિયા લઇ હાથ ઉંચા કરી દેનારા બે ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઓલપાડના સાંધીએર ગામે રહેતાં ભૌતિક રમેશભાઈ મણવર બિલ્ડરો સાથે સંપર્કમાં રહી કમિશનથી ફ્લેટ વેચાણનું કામ કરે છે. જુનાગઢનાં માણાવદર તાલુકાના વતની ભૌતિક મણવરે ચારેક વર્ષ પહેલા કોસાડ રોડ ઉપર ઓમકાર એવન્યુ નામની બાંધકામ સાઇટનાં મકાન વેચાણ બાબતે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કર્યું હતું. જે દરમિયાન તેની સાથે દીપક પરષોત્તમ મંગે સંપર્કમાં આવ્યો હતો.

બાદમાં ભૌતિક મણવરે વેસુ વીઆઇપી રોડ ઉપર ખાટુ શ્યામ મંદિર સામે રૂંગટા શોપિંગમાં રીયાલીટી ૩૬૦ ડિગ્રી નામથી બ્રોકર તરીકેની ઓફિસ શરૂ કરી હતી. જ્યાં આ દીપક તેના દિકરા ભરત અને ભાઈ કિશોર મંગે સાથે આવતો રહ્યો હતો. આ ત્રણ જણાએ એવી વાત કરી હતી કે, તેઓ મુંબઇમાં રી-ડેવલોપિંગના સારા પ્રોજેક્ટ કરી રહ્યાં છે. દરમિયાન જુન ૨૦૨૪માં દીપક, ભરત અને કિશોર મંગે ફરી ભૌતિકને મળ્યા હતાં. તેમણે કહ્યું કે, અમે કતારગામ, નાનપુરા તથા અડાજણ અને વેસુમાં જગ્યા જોઈ છે, ત્યાં હાઇરાઇઝ બિલ્ડિંગ પ્રોજેક્ટ ચાલુ કરવા અઢીસો કરોડ રૂપિયાની લોન જોઇએ છે.

પ્રોજેક્ટ લોન અપાવી શકે એવા કોઈ વ્યક્તિનો પરિચય હોય તો જણાવવા કહ્યું હોય ભૌતિકે તેના ઓળખીતા દલાલ કાનજી કાબાભાઈ સુતરીયાનો સંપર્ક કર્યો હતો. આ કાનજી સુરતીયા ચીખલી ખાતે જમીન લે-વેચનું કામ કરતા કલ્પેશ રમણભાઇ પટેલ મારફત ભગવાન પાટીલને ભૌતિકની ઓફિસે લઇ આવ્યો હતો. ભૌતિકે ૨૫૦ કરોડની પ્રોજેક્ટ લોન બાબતે વાતચીત કરતાં આ ભગવાન પાટીલે જણાવેલ કે હું લોન એજન્ટ છું, મારા સાહેબ પંકજ ભાવસાર કે જે અમદાવાદ ખાતે ફાયનાન્સર છે. તેમની સાથે વાતચીત કરાવી દઈશ.

આ મીટિંગનાં અઠવાડિયા પછી ભગવાન પાટીલ પંકજ ભાવસારને લઇ ભૌતિકની ઓફિસે ગયો હતો. એ સમયે દીપક, કિશોર અને ભરત મંગે પણ ત્યાં હાજર હતાં. પંકજ ભાવસારે તેમને જણાવેલ કે હું ફાયનાન્સ કરવાનું કામ કરૂ છું એમ કહી પ્રોજેક્ટની જગ્યા બતાવવા કહ્યું હતું. જેથી તેઓએ ભગવાન પાટીલ તથા પંકજ ભાવસારને કતારગામ, નાનપુરા તથા અડાજણ અને વેસુ સ્થિત જગ્યા બતાવી હતી. જગ્યા જોયા બાદ પંકજ ભાવસારે ૨૫૦ કરોડની લોન આપીશ એમ કહી એ માટેની પ્રોસેસ સમજાવી હતી. જેમાં તેણે અઢીસો કરોડની લોનની ૦.૭૫ પૈસા લેખે ૧,૧૧,૦૦,૦૦૦ રૂપિયા ફી પહેલા આપવી પડશે એમ કહ્યું હતું. તેઓ જતાં રહ્યા બાદ દીપક મંગેએ ભૌતિકને જણાવ્યું હતું કે, આ લોન પાસ થઇ જશે તો માર્કેટીંગ તથા સેલીંગનું કામ કાજ તમારે સંભાળવાનું રહેશે. સાથે જ આ પ્રોજેક્ટમાં જે ફાયદો થશે તેમાં તમને ૧૦% ભાગ પણ આપીશું.

ત્યારબાદ દીપક મંગે એ તેના સીએ ગોરધનભાઇ ગોધાણી મારફત દ્રીશા ડેવલોપર્સ નામથી લોનના કાગળો તૈયાર કરાવ્યા હતાં. આ ફાઇલ લઇ ભૌતિકે ભગવાન પાટીલને આપી હતી. લોન માટે ફી પેટે ૧.૧૧ કરોડ રૂપિયા આપવાની વાત આવી ત્યારે મંગે એ ભૌતિકને કહ્યું કે, તેમનું મુંબઇમાં ઘણું પેમેન્ટ અટવાયેલું છે. હાલ તમે આ પૈસાની વ્યવસ્થા કરી દો. લોન પાસ થશે પછી આપણે હિસાબ સમજી લઈશું.

પ્રોજેક્ટમાં ૧૦ ટકાની ભાગીદારી અને ફ્લેટ વેચાણનું કમિશન મળવાનું હોય ભૌતિકે હા પાડી અને પછી પંકજ ભાવસારનાં જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા પાસે રોયલ આર્કેટમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી માંથી ૨૯ જુનથી ૨ ઓગસ્ટ સુધીમાં કુલ ૧.૧૧ કરોડ રૂપિયા જુદા જુદા વ્યક્તિને જુદા જુદા શહેરમાં મોકલી આપ્યા હતાં. ત્યારબાદ પંકજ ભાવસારે તેમના વાયદા અનુસાર લોન આપી ન હતી. આ બાબતે તેઓએ વાત કરવાનું ટાળવા માંડતાં વચ્ચે રહેલા ભગવાન પાટીલનો સંપર્ક કરાયો હતો. ભગવાન પાટીલે વાયદાઓ કરી એક વર્ષ જેટલો સમય વિતાવી દીધો હતો. ભગવાન ઉર્ફે ભિકેન સુખલાલ પાટીલ (રહે, પ્લોટ નં ૧૯૮ પંચદેવ બંગ્લોઝ ગોકુલધામ સોસાયટી સામે, ખરવાસા રોડ, ડિંડોલી) અને પંકજ ભાવસારે લોનનાં નામે ચીટિંગ કર્યાનો અહેસાસ થતાં ભૌતિકે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution