લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025 |
સુરત |
11187
ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખુબ જ ઝડપથી ઘટી રહ્યુ છે. ગુણવત્તાવાળા શિક્ષણના મામલામાં ગુજરાત ૧૮મા ક્રમે પહોંચી ગયુ છે. ગુજરાત સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવાના પક્ષમાં છે. હાલમાં સિક્ષણ ખુબ જ મોંઘુ થઈ ચુક્યુ છે. અને ગુજરાતમાં શિક્ષણના સ્તરને સુધારવાની તાતી જરૂરિયાત છે તેવુ કોંગ્રેસના નરેન્દ્ર રાવતે સુરતમાં યોજેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ભાજપની નીતિના કાણે શિક્ષણની સ્થિતિ કથળી છે પરિણામે યુવાનો અને બાળકોનું ભાવિ ચિતાજનક બન્યુ છે. છતાં શિક્ષણમાં સુધારો કરવા માટે સરકારમાં ઈચ્છાશક્તિ અભાવ જોવા મળી રહ્યો છે. આમ શિક્ષણની અધોગતિ થઇ છે પરિણામે ગુજરાત મોડેલની પોલ ખોલી છે.
વધુમાં તેઓએ કહ્યું હતું, ગુજરાતમાં છેલ્લા આઠેક વર્ષમાં જ 525 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને 5912 સરકારી સ્કૂલ બંધ કરવાની કવાયત થઈ રહી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યારે ખાનગી સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે.
કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણ-વ્યાપારીકરણ કરીને સરકારી-ગ્રાન્ટેડ શાળા-કોલેજો-યુનિવર્સીટીનાં માળખાને તોડી રહી છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપના મનગમતા કુલપતિની નિમણૂક પાછળ ભાજપ-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે.