નાસિરનગરના સ્પોન્સર્ડ ડિમોલિશન મામલે આજે હાઇકોર્ટમાં મહાનગરપાલિકાની અગ્નિપરીક્ષા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026  |   2376

રાષ્ટ્રીય સ્તર સુધી બહુ ગાજેલાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનમાં હાઇકોર્ટે પૂછેલાં ચોટદાર સવાલોને પગલે હતપ્રભ બની ગયેલાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ત્રણ દિવસ સુધી વકીલો સાથે લાંબી ચર્ચા કર્યા બાદ બેથી ત્રણ એફિડેવિટ સાથે હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છે. હાઇકોર્ટે ગુરૂવારે જે રીતે સવાલો પૂછ્યાં હતાં તે જોતાં મહાનગર પાલિકાનાં અધિકારીઓ તેમજ વકીલો માટે બચાવ કરવાનું એટલું સરળ બને તેવું લાગતું નથી અને એટલે જ આવતીકાલની સુનાવણી ઉપર પોલીસતંત્ર, મહાનગર પાલિકા તંત્ર, બિલ્ડર, ટોરેન્ટ પાવર કંપની તેમજ નાસિરનગરનાં અસરગ્રસ્તોની નજર રહેશે.

નાસિરનગરમાં બિલ્ડરનાં લાભાર્થે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનમાં મહાનગર પાલિકાનાં અધિકારીઓ સાથે સાથે પોલીસતંત્રની ખાસકરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમની ભૂમિકા શંકાનાં દાયરામાં આવી હતી. ડીસીપી નકુમ પીઆઇ સોનારા સહિત આખી ફોજને ડીમોલિશન સ્થળે લઇ ગયાં હતાં અને ધાકધમકીનું વાતાવરણ સજ્ર્યુ હોવાનો આરોપ અસરગ્રસ્તોએ લગાવ્યો હતો. હાઇકોર્ટે ડીસીપી નકુમની સ્થળ ઉપર હાજરી બાબતે ખાસ નોંધ લઇને તેમની હાજરી સત્તાવાર હતી કે બીનસત્તાવાર હતી તેનો ખુલાસો કરવા જણાવ્યું છે. જો ડીસીપી નકુમની હાજરી સત્તાવાર હોય તો વાંધો નથી પરંતુ જો તેઓ બીનસત્તાવાર ડીમોલિશન સ્થળે ગયા હોય તો એફિડેવિટ સાથે હાઇકોર્ટમાં હાજરી આપે તેવી ટીપ્પણી હાઇકોર્ટે કરી હતી. સુરત શહેર પોલીસતંત્રનું નાક બચાવવું હોય તો પોલીસ કમિશનરે ડીસીપી નકુમનો બચાવ કરવો જ પડે તેવી સ્થિતિનું નિર્માણ થતાં સત્તાવાર રીતે નકુમ નાસિરનગર ગયા હોવાનું પ્રતિપાદિત કરીને પોલીસ કમિશનર પોતાના અધિકારીને ક્લીનચિટ આપે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

બીજીતરફ મ્યુનિસિપલ કમિશનર માટે બચાવ કરવો એટલો સરળ નથી એટલે જ જાણીતા સીનિયર વકિલોની સલાહ લેવામાં આવી રહી છે અને તેમની સલાહને આધારે કમિશનર પોતાની તેમજ કાર્યપાલક ઇજનેર જીવણ રામજીવાલાની એફિડેવિટ તૈયાર કરાવી રહ્યાં છે. મહાનગર પાલિકાનાં અધિકારીઓની ટીમ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ અને સુરત વચ્ચે આંટાફેરા મારી રહી છે. હાઇકોર્ટે અસરગ્રસ્તોનાં શેલ્ટર માટે કરેલી ટીપ્પણી અનુસાર ભરીમાતા કોમ્યુનિટી હોલમાં આશ્રય આપી દેવામાં આવ્યો હોવાથી તે મુદ્દો મહાનગર પાલિકા દ્વારા રજૂ કરીને હાઇકોર્ટની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કરવામાં આવે તેવું મનાય છે. જો કે, કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતનાં અન્ય અધિકારીઓ કઇ હેસિયતથી નાસિરનગરમાં ડીમોલિશન વખતે ગયાં હતાં તેવા હાઇકોર્ટનાં સવાલનો મહાનગર પાલિકા શું જવાબ આપે છે, કમિશનર તેમની એફિડેવિટમાં કેવું વલણ અખત્યાર કરે છે તે મહત્વનું બની રહેશે. પહેલાં ડીમોલિશન કોણે કર્યું તેની ખબર નથી અને ત્યારપછી ડીમોલિશન મહાનગર પાલિકાની ટીમે જ કર્યું હોવાની કબુલાત કરનાર મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને બદલેલાં નિવેદનોની હાઇકોર્ટ કેવી નોંધ લે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે.

ભરીમાતા કોમ્યુનિટી હોલમાં અસરગ્રસ્તો સિવાયનાં પણ ઘૂસી ગયાં

હાઇકોર્ટે અપનાવેલાં કડક વલણને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને નાસિરનગરમાં જેમનાં કાચા-પાકા મકાનો તૂટી ગયાં છે તે અસરગ્રસ્તો માટે ભરીમાતા ખાતે આવેલાં કોમ્યુનિટી હોલમાં આશ્રય આપવાની વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્તો માટે લાઇટ, પાણી, આરોગ્ય ઉપરાંત બે ટાઇમ ફુડપેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગર પાલિકાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં અસરગ્રસ્તો ઉપરાંત અન્ય કેટલાક લોકો પરિવાર સાથે કોમ્યુનિટી હોલમાં રહેવા આવી ગયા છે તે ખોટુ છે પરંતુ મામલો એટલો સંવેદનશીલ છે કે, જે લોકો અસરગ્રસ્ત નથી તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવે તો બીજો વિવાદ ઉભો થવાની સંભાવના છે જેથી હાઇકોર્ટની સુનાવણી પછી આવા લોકોને કોમ્યુનિટી હોલમાંથી બહાર કાઢવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution