નેચરલ રફ ડાયમંડ્સની ડીટીસીના સાઇટ હોલ્ડર્સની સંખ્યા ૬૯ ઘટાડીને ૪૫ કરી દેવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026  |   2079

ખાણોમાંથી નીકળતા નેચરલ રફ ડાયમંડનું ટ્રેડિંગ કરતી ડી-બિયર્સ કંપનીની ડાયમંડ ટ્રેડિંગ કંપનીની નવી એગ્રિમેન્ટ સાઇકલ આગામી તા.૧લી જુલાઇ ૨૦૨૬થી શરૂ થઇ રહી છે. ડી-બિયર્સ કંપનીએ ડીટીસી સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કર્યો હોવાની માહિતી સાંપડી છે. વૈશ્વિક સ્તરે સાઇટ હોલ્ડર્સની સંખ્યા ૬૯થી ઘટાડીને આશરે ૪૫ કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક ફેરફારની સુરતના હીરા ઉદ્યોગ પર દ્વિપક્ષીય અસર જાેવા મળી રહી છે. નવી એગ્રિમેન્ટ સાઇકલના અમલીકરણ બાદ પરંપરાગત રફ-પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ હબ ગણાતા ન્યૂયોર્ક અને ઇઝરાયેલમાં સાઇટ હોલ્ડર્સની સંખ્યા નહિવત થઈ જશે. છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૧થી ૨૦૨૬ વચ્ચે) ડીટીસી (ડી-બિયર્સ)ના સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં આ ઘટાડો ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. કંપનીએ તાજેતરમાં જ તેના સત્તાવાર ખરીદદારોની યાદીમાં આશરે ૩૦%થી વધુનો મોટો કાપ મૂક્યો છે. આ કંપનીના ઇતિહાસમાં એક જ ચક્રમાં કરવામાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.

ડી-બિયર્સે પોતાની ડીટીસી સાઇટની યાદીમાં કરેલા આ વૈશ્વિક કાપ વચ્ચે પણ ભારતમાં ખાસ કરીને સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગનું પ્રભુત્વ જળવાયેલું રહ્યું છે, કારણ કે આ નવી યાદીમાં ભારતમાંથી જૂની એક પણ કંપનીને બાકાત કરવામાં આવી નથી પરંતુ, નવી કંપની ઉમેરવામાં જરૂર આવી હોવાનું સ્થાનિક હીરા ઉદ્યોગમાંથી જાણવા મળે છે. ડી બિયર્સ ના સાઇટ હોલ્ડર કરારની સામાન્ય મુદત ૩ થી ૫ વર્ષની (નવા નિયમો મુજબ ૩ વર્ષની ફિક્સ મુદત) હોય છે. ૨૦૨૧માં થયેલા કરારો મૂળ ડિસેમ્બર ૨૦૨૩માં પુરા થવાના હતા, પરંતુ વૈશ્વિક બજારની મંદી અને અનિશ્ચિતતાને કારણે કંપનીએ તેને અલગ-અલગ તબક્કે લંબાવીને આગામી તા.૩૦ જૂન ૨૦૨૬ સુધી નિશ્ચિત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તા.૧ જુલાઈ ૨૦૨૬થી શરૂ થનારા નવા કરાર ચક્રમાં કંપનીએ સપ્લાય સિક્યોરિટી અને ટ્રેડિંગ માટે તદ્દન નવા અને કડક નિયમો લાગુ કર્યા છે. મળતી માહિતી મુજબ કંપનીએ રફ હીરાના ખરીદદારો માટે સપ્લાય અને પેમેન્ટના નિયમો વધુ કડક બનાવ્યા છે, જેથી નબળા અને બિન-નિયમિત ટ્રેડર્સ આપોઆપ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. કુદરતી હીરાની માંગમાં વૈશ્વિક ઘટાડો થયો છે અને છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં કુદરતી (દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ) હીરાની માંગ સતત ઘટી રહી છે. આના કારણે બજારમાં રફ હીરાનો મોટો સ્ટોક જમા થઈ ગયો છે, જેથી ઉત્પાદનમાં પણ ઘટાડો કરવો પડ્યો છે. ડી બિયર્સ કંપની કરારના નિયમો મુજબ સત્તાવાર રીતે કઈ ૨૦ કંપનીઓ લિસ્ટમાંથી બહાર થઈ છે તેનું નામ જાહેર કરતી નથી, પરંતુ ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે બિન-નિયમિત ખરીદી કરતી અને આર્થિક મુશ્કેલી ભોગવતી નાની કંપનીઓના કરાર રીન્યુ કરાયા નથી.

ડીટીસી સાઇટ હોલ્ડરોની સંખ્યા કેમ ઘટાડવી પડી

ડી-બિયર્સ કંપનીએ રફ ડાયમંડના વેચાણ માટેની ડીટીસી સાઇટ હોલ્ડર્સની સંખ્યામાં કરેલા ધરખમ ઘટાડા માટે કે કેટલાક કારણોને ધ્યાનમાં લીધા છે. જેમાં વૈશ્વિક સ્તરે નેચરલ ડાયમંડમાં ઘટી ગયેલી ઘરાકી ઉપરાંત લેબગ્રોન ડાયમંડની વધતી જતી સ્પર્ધાને જવાબદાર માનવામાં આવે છે. તાજેતરમાં અમેરીકામાં સંપન્ન થયેલી જેસીકે જ્વેલરી શૉમાં કંપનીએ ભાવિ રણનીતિમાં ગ્રાહકોની સંખ્યા પર નહીં પરંતુ, ગ્રાહકોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રીત કરવાની નીતિ પર ધ્યાન આપવાનું જણાવ્યું હતું. કંપની માત્ર એવા જ ખરીદદારો રાખવા માંગે છે જે આર્થિક રીતે મજબૂત હોય અને મુશ્કેલ સમયમાં પણ નિયમિત ખરીદી કરી શકે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નાની અને મધ્યમ કંપનીઓ સંકોચાઈ રહી છે અથવા આઉટસોર્સિંગ પર ર્નિભર થઈ છે. બજારનો મોટો હિસ્સો માત્ર ગણતરીની મોટી અને સ્થાપિત કંપનીઓ પાસે જઈ રહ્યો છે.

સુરતના હીરા ઉદ્યોગમાં આ અસર જરૂર વર્તાશે

ડીટીસીએ પોતાના સાઇટ હોલ્ડર્સની યાદીમાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કરતા સુરતના હીરા ઉદ્યોગમાં કાર્યરત નાના અને મધ્યમ એકમો પર દબાણ જરૂર આવશે એવું ઉદ્યોગકારોનું માનવું છે. ડીટીસી સાઇટ હોલ્ડર્સનું લિસ્ટ નાનું થવાને કારણે હવે માત્ર મોટી અને આર્થિક રીતે સક્ષમ કંપનીઓને જ સીધા હીરા મળશે. સુરતના નાના કારખાનાઓ (જેઓ ઓપન માર્કેટ કે બ્રોકર્સ પાસેથી રફ ખરીદતા હતા) માટે રફ હીરા મેળવવાનું કામ વધુ મોંઘું અને મુશ્કેલ બનશે. ડી બિયર્સ હવે લાંબા ગાળાના મજબૂત ભાગીદારો ઈચ્છે છે. આના કારણે સુરતની કંપનીઓએ હીરાના કટિંગ, પોલિશિંગ અને ટ્રેસેબિલિટી (હીરા ક્યાંથી આવ્યો તેની વિગત) માટે અદ્યતન ટેકનોલોજીમાં રોકાણ વધારવું પડશે.

ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીએ વર્ષે કમસેકમ રૂ.૧૨૫ કરોડનાં હીરા ફરજિયાત ખરીદવા પડશે

ડી-બિયર્સે ડીટીસી સાઇટ હોલ્ડર્સ માટે જારી કરેલા નવા સપ્લાય એગ્રીમેન્ટ હેઠળ ડી બિયર્સે હીરા ઉદ્યોગપતિઓ માટે આકરા નિયમો નક્કી કર્યા છે. જેમાં સાઇટ હોલ્ડર કંપની માટે વાર્ષિક લઘુત્તમ ખરીદીની મર્યાદા નક્કી કરી છે. નવા નિયમો અનુસાર, યાદીમાં ટકી રહેવા માટે સાઇટ હોલ્ડરે વાર્ષિક ઓછામાં ઓછા ૧.૫ કરોડ ડોલર (આશરે રૂ.૧૨૫ કરોડથી વધુ)ના નેચરલ રફ હીરા ખરીદવા ફરજિયાત છે. જે કંપનીઓ નિયમિત આ ક્વોટા પૂરો નહીં કરે, તેમનો કરાર રદ થઈ જશે. ડી બિયર્સે ખરીદદારોને ત્રણ સ્પષ્ટ કેટેગરીમાં વહેંચ્યા છે - મેન્યુફેક્ચરર્સ (ઉત્પાદકો), ડીલર્સ (વેપારીઓ) અને રીટેલર્સ (વિક્રેતાઓ). દરેક કેટેગરીને તેમની ક્ષમતા અને જરૂરિયાત મુજબના જ ચોક્કસ રફ હીરા ફાળવવામાં આવે છે. તમામ સાઇટ હોલ્ડર્સે ડી બિયર્સના બેસ્ટ પ્રેક્ટીસ મેન્યુઅલ ૨૦૨૬ ના કડક માપદંડોનું પાલન કરવું પડશે. આ હેઠળ બાળમજૂરી વિરોધ, પર્યાવરણ સુરક્ષા, નાણાકીય પારદર્શિતા અને નૈતિક વેપારના કાયદાઓનો સમાવેશ થાય છે. જાે કોઈ પણ સભ્ય આમાં નિષ્ફળ જશે, તો સપ્લાય તાત્કાલિક અટકાવી દેવાશે. નવી શરતો મુજબ, માત્ર લિસ્ટમાં નામ રાખવા ખાતર સાઇટ હોલ્ડર બની શકાશે નહીં. કંપની જે માલ ઓફર કરે, તેમાંથી નિર્ધારિત જથ્થો નિયમિત ખરીદવો જ પડશે. જે કંપનીઓ માલ નહોતી ઉપાડતી તેમને આ નવા કરારમાં સીધી જ બહાર કરી દેવાઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution