પફ્ર્યુમના વેપારી પાસેથી ખંડણી વસૂલવા જૂના કર્મચારીએ જ મિત્રોને મોકલ્યા હતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   2079

પાલનપોર ગૌરવપથ પર પરફ્યુમની દુકાન ધરાવતાં યુવકને ચપ્પુ બતાવી ૧૦ લાખની ખંડણી માંગનારા બે યુવકો તથા તેમને મોકલનાર યુવકને પાલ પોલીસે વેશપલટો કરી ઝડપી પાડ્યા હતા. પાલ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર બી. એ. ભટ્ટના જણાવ્યા અનુસાર, પાલનપોર ગૌરવપથ પર આવેલા આબોરા કોમ્પ્લેક્સમાં જૈમીન ડોબરિયા ‘ટીએમ પરફ્યુમ‘ નામની દુકાન ચલાવે છે. જૈમીન ૯ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૨થી ૨:૩૦ વાગ્યાના સુમારે પોતાની દુકાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્પ્લેન્ડર બાઇક પર બે અજાણ્યા ઇસમો ત્રાટક્યા હતા. બાઇક ચાલકે જૈમીનને તેનું નામ પૂછ્યું હતું.

જૈમીને પોતાનું નામ આપતા જ બાઇક પાછળ બેઠેલો ઇસમ નીચે ઉતરી ગયો હતો અને જૈમીનનો કાંઠલો (ગળું) પકડી લીધો હતો. બાઇક ચાલકે તેના સાગરીતને આદેશ આપ્યો કે, "તું પતાવીને બહાર આવી જા," અને પોતે બાઇક લઈને થોડો આગળ નીકળી ગયો હતો. એ યુવકને જૈમીનને ગળેથી પકડીને ઢીકા-મુક્કીનો માર માર્યો હતો. સાતે જ તેને ધમકાવતા "૧૦ લાખ રૂપિયા દે દે, યશને તેરા ગેમ બજા ડાલેગે એવી મકી આપી હતી. સાથે જ તેણે જૈમીનને ધારદાર ચપ્પુ બતાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો.

ભરબપોરે રસ્તા પર આ માથાકૂટ દરમિયાન જૈમીન ડોબરિયાએ બૂમ-બરાડા પાડવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી ગભરાઇ ગયેલા એ યુવકો સ્પ્લેન્ડર બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી જૈમીન એટલો બધો ડરી ગયો હતો કે તે સીધો ઘરે જતો રહ્યો. પરિવાર સાથે ચર્ચા કરી બે દિવસ બાદ તેણે પોલીસ ફરિયાદ આપી હતી.

 પોલીસે આ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ગુના વાળી જગ્યાએ જઈ સીસી કેમેરા ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં ખુલાસો થયો કે એ યુવકો છેલ્લા બે દિવસથી વેપારીની રેકી કરી રહ્યા હતા. પોલીસે ફૂટેજમાં દેખાતા ચહેરાઓ અને બાઇકના નંબરના આધારે તપાસ તેજ કરી અને આરોપીઓના રહેઠાણ શોધી કાઢ્યા. સર્વેલન્સ સ્ટાફના શૈલેષભાઇ, વેલાભાઇ તથા હિતેન્દ્રસિંહે દેવ અનિલભાઇ પટેલ (રહે.બાપ્સ હોસ્પિટલ પાસે અડાજણ) તથા યશ દિનેશભાઇ ગલચર (બોરડી શેરી સૈયરપુરા પંપીંગ સ્ટેશન પાસે) ને ઝડપી લેવાયા હતાં.

તેમની પૂછપરછમાં યશ રાજેશભાઇ બારૈયા (ઓરોવીલ સોસાયટી, ઉમા ભવનની ગલીમાં ભટાર રોડ) ના કહેવાથી તેઓ ૧૦ લાખ વસૂલવા ગયા હોવાનું બહાર આવતાં પોલીસે બારૈયાને પણ દબોચી લીધો હતો. બારૈયાની તપાસમાં તે અગાઉ ડોબરીયાની પફ્ર્યુમ ની દુકાનમાં નોકરી કરતો હતો. પગાર બાબતે માથાકૂટ થતાં તેણે કામ છોડી દીધું હતું. બાદમાં બાકી પગાર વસૂલવા માટે તેણે મિત્રોને ધાક ધમકી આપવા મોકલ્યાનું બહાર આવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution