સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી એક દિવસે હાથ ધરવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ફેબ્રુઆરી 2021  |   1485

અમદાવાદ-

રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણ એક દિવસે કરવાની અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ અરજદારે સુપ્રીમ કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. જો કે તેમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અરજદારની આ અરજીને ફગાવી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ સહિત છ મહાપાલિકાઓની મતગણતરી હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ તારીખ 23મીના રોજ જ યોજાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી ઉપર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવો જોઈએ.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે છે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં મુશ્કેલી પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. પરંતુ કોવિડના લીધે રૂમમાં સાત ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદાર દ્વારા આપવામાં આવ્યા નથી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 મી ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 મી ફેૂબ્રુઆરીએ હાથ ધરાશે. જ્યારે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને તા. 2 જી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution