દ.ગુ.ના આદિવાસી અને પછાત તાલુકાઓમાં કારખાના સ્થાપનારને જંગી લાભ મળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026  |   5742

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અંતર્ગત રાજ્યનાં ઔદ્યોગિક રીતે પછાત અને વિકાસશીલ તાલુકાઓમાં નવા રોકાણને આકર્ષવા માટે વિશેષ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાનાં પૂર્વ પટ્ટીનાં અનેક તાલુકાઓમાં મૂડીરોકાણ એટલે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ વિકસાવનારા ઉદ્યોગપતિઓને નવી ઔદ્યોગિક નીતિમાં સૌથી મોટો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પ્લાન્ટ, મશીનરીમાં થનારા મૂડીરોકાણ પર ૩૫ ટકા સુધી, લોનનાં વ્યાજમાં ૭ ટકા સુધીની સબસિડી તેમજ વીજદરમાં પ્રતિ યુનિટે રૂ.૨ સુધીની રાહતો આપવાની જાેગવાઇ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે દરેક જિલ્લાઓનાં તાલુકાઓને અલગ-અલગ ત્રણ કેટેગરીમાં વહેંચીને પ્રોત્સાહનો નક્કી કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરતના ઉમરપાડા અને મહુવા એ બે તાલુકાઓ એ કેટેગરીમાં જ્યારે માંડવી અને બારડોલી તાલુકાઓ બી કેટેગરીમાં સમાવિષ્ટ છે. ઔદ્યોગિક રીતે પછાત ગણાતા કેટેગરી-છમાં સમાવિષ્ટ તાલુકાઓમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલનાં સ્જીસ્ઈ એકમોને ૩૫ ટકા કેપિટલ સબસિડી, ટર્મ લોન પર ૭ ટકા વ્યાજ સહાય અને પાંચ વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ.૨ની વીજદર સહાય મળશે. જ્યારે કેટેગરી-મ્ તાલુકાઓમાં ૨૫ ટકા કેપિટલ સબસિડી, ૭ ટકા વ્યાજ સહાય અને પ્રતિ યુનિટ રૂ.૧ની વીજદર સહાય મળશે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ લાભ ડાંગ જિલ્લાનાં તમામ તાલુકાઓ, તાપીનાં પાંચ તાલુકાઓ, નર્મદાનાં ચાર તાલુકાઓ, વલસાડનાં કપરાડા-ધરમપુર તથા સુરત જિલ્લાનાં ઉમરપાડા અને મહુવાને મળવાનો છે.

નવી ઔદ્યોગિક નીતિનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર હવે પહેલેથી વિકસિત સુરત-વાપી-અંકલેશ્વર જેવા ઔદ્યોગિક પટ્ટા કરતાં આદિવાસી, સરહદી અને ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં રોકાણ ખેંચવા પર ભાર મૂકી રહી છે. ૩૫ ટકા સુધીની કેપિટલ સબસિડી, ૭ ટકા વ્યાજ સહાય અને વીજદર રાહતને કારણે આગામી વર્ષોમાં ડાંગ, તાપી, નર્મદા, કપરાડા, ધરમપુર, ઉમરપાડા અને મહુવા જેવા તાલુકાઓ દક્ષિણ ગુજરાતના નવા ઔદ્યોગિક હોટસ્પોટ તરીકે ઉભરી શકે છે. નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને મોટા શહેરોમાં સીમિત રાખવાને બદલે તેને રાજ્યના પછાત વિસ્તારો સુધી પહોંચાડવાનો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

સુરત જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારને વિશેષ પ્રોત્સાહન

સુરત જિલ્લો રાજ્યનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવા છતાં જિલ્લાના પૂર્વ અને આદિવાસી વિસ્તારોને નવી નીતિમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ઉમરપાડા અને મહુવા તાલુકાને કેટેગરી-છમાં સમાવાયા હોવાથી અહીં ઉદ્યોગ સ્થાપનાર સ્જીસ્ઈ એકમોને મહત્તમ લાભ મળશે. જ્યારે માંડવી અને બારડોલી તાલુકાઓને કેટેગરી-મ્માં રાખવામાં આવ્યા છે. બીજી તરફ કામરેજ, પલસાણા, ચોર્યાસી, ઓલપાડ અને સુરત શહેર જેવા પહેલેથી વિકસિત ઔદ્યોગિક વિસ્તારોને વિશેષ સબસિડી આપવામાં આવી નથી. એટલે હવે શહેરી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આર્થિક પ્રોત્સાહન નહીં મળે.

 આદિવાસી અને પછાત ગણાતા તાપી અને ડાંગ આર્થિક રોકાણનાં નવા કેન્દ્ર બનશે

તાપી જિલ્લામાં કુકરમુંડા, ઉચ્છલ, નિઝર, ડોલવણ અને સોનગઢ તાલુકાઓને કેટેગરી-છમાં સ્થાન મળ્યું છે. આ તાલુકાઓમાં નવા ઉદ્યોગકારોને ૩૫ ટકા સુધીની કેપિટલ સબસિડી અને ૭ ટકા વ્યાજ સહાય તેમજ વીજદરમાં પ્રતિ યુનિટે રૂ.૨ની રાહત મળશે. વાલોડ તાલુકો કેટેગરી-મ્માં છે, જ્યારે વ્યારા તાલુકો વિકસિત કેટેગરીમાં સામેલ છે. ડાંગ જિલ્લાનો સૌથી મોટો લાભ એ છે કે જિલ્લાના તમામ તાલુકાઓ-આહવા, વઘઈ અને સુબીર-કેટેગરી-છમાં સમાવાયા છે. રાજ્ય સરકારનો આ ર્નિણય આદિવાસી પટ્ટામાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

નર્મદા અને વલસાડનાં આદિવાસી વિસ્તારોને ફાયદો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, ડેડીયાપાડા, તિલકવાડા અને સાગબારા તાલુકાઓને કેટેગરી-છમાં સમાવાયા છે. જ્યારે નાંદોદ તાલુકો કેટેગરી-મ્માં છે. સરદાર સરોવર આસપાસના વિસ્તારોમાં આ પ્રોત્સાહનોના કારણે કૃષિ આધારિત, ફૂડ પ્રોસેસિંગ અને વનઉત્પાદન આધારિત ઉદ્યોગો વિકસે તેવી શક્યતા છે. વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકાઓને મહત્તમ લાભ મળશે. બીજી તરફ વાપી, પારડી, વલસાડ અને ઉમરગામ જેવા વિકસિત ઔદ્યોગિક વિસ્તારોને વિશેષ સહાય મળવાની નથી.

નવસારી જિલ્લામાં ખેરગામને સૌથી વધુ લાભ

નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકો કેટેગરી-છમાં હોવાથી તેને સૌથી વધુ પ્રોત્સાહન મળશે. જ્યારે બાંસદા, ચીખલી, જલાલપોર અને ગણદેવી તાલુકાઓ કેટેગરી-મ્માં સમાવાયા છે. નવસારી શહેર અને આસપાસનાં વિકસિત વિસ્તારોને આ વિશેષ સહાયનો લાભ મળશે નહીં.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution