ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2025  |   ગાંઘીનગર   |   11484

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને બે દિવસ અગાઉ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો. જેને લઇને પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કશું મળી આવ્યું ન હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ઈ-મેઈલ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા ઈ-મેઈલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ટાર્ગેટ બનાવવામાં આવશે.

આ ગંભીર ધમકી મળતાની સાથે જ રાજ્યનું ગૃહ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરી સહિત સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો? આ ધમકી પાછળ કોનો હાથ છે? તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર સરકારી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત વિવિધ સુરત, વડોદરા અને વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution