સુરત મહાનગર પાલિકાનાં મુખ્ય વહીવટી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ધમાચકડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જુન 2026  |   2574

ખાલીસ્તાન નેશનલ આર્મીનાં નામે બોમ્બ બ્લાસ્ટનાં ધમકીભર્યા ઇમેલ આવતાં રાજ્યનાં મહાનગરોની પોલીસ દોડતી થઇ ગઇ હતી. સુરત ઉપરાંત વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકામાં કમિશનર અને મેયરનાં અધિકૃત આઇડી પર ઉઘડતી કચેરીને એલઇડી કાર બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઈ-મેઇલ મળ્યો હતો. બ્લાસ્ટની ધમકીભર્યા મેઇલ અંગે જાણ કરાતાં પોલીસ અધિકારીઓએ સ્નીફર ડોગ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે દોડી જઇ તપાસ આખી કચેરીમાં સઘન સર્ચ કર્યું હતું.

પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ખાલિસ્તાન નેશનલ આર્મી એન્જિનિયર ગુરનખ સિંહ (રૂકન શાહવાલા) અને ડો. ગુરનીવૈરસિંહ (ખાન રાજદા) નામથી મેયર અને કમિશનરની આઇડી ઉપર મેલ કરાયા હતાં. જેમાં બોમ્બ ધમાકા એલઇડી કાર એવું લખાયું હતું. સાથે જ મેયર ઓફિસમાં ૩-૧૧ કલાક એવો ટાઈમ લખાયો હતો. મેયર, કમિશનર સૌને એક સલાહ, કોઇ ઓફિસ ના જશો એવી સલાહ પણ અપાઇ હતી.

આ મેઇલ અંગે પાલિકા તરફથી જાણ કરવામાં આવતાં લાલગેટ પોલીસ ઉપરાંત એસઓજીના કાફલો ત્યાં પહોંચી ગયો હતો. પેનિક ના ફેલાય એ રીતે પાલિકાની કચેરી ખાલી કરાવવા સાતે બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડની ટીમ સાથે સઘન ચેકિંગ શરૂ કરાયું હતું. બીજી તરફ સુરક્ષાનાં ભાગરૂપે તમામ કર્મચારીઓને પણ કચેરીની બહાર જવા માટે જણાવવામાં આવ્યું હતું અને મુખ્ય વહિવટીભવનનાં ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગેટની બહાર મહાનગર પાલિકાનાં માર્શલોની સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.

એસીપી આર.આર.આહિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે ૧૧ વાગ્યાની આસપાસ મેયર ઓફિસમાં ઈમેલ આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. હાલમાં ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા મુખ્ય વહિવટી ભવન ખાતે આવેલ તમામ કચેરીઓ, પાર્કિંગ સહિતનાં વિસ્તારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જાે કે, કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ નહીં મળી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જ્યારે સુરત સાયબર સેલ દ્વારા પણ જે આઈડી પરથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર તો કચેરીમાં હાજર ન હતાં પરંતુ ધમકીને પગલે મહાનગર પાલિકાનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ મુગલસરાઇ સંકુલની બહાર નીકળી ગયાં હતાં.

૨૦૨૩માં હરદીપ નિઝ્ઝરનાં હત્યાનો બદલો લેવાની ધમકી

ગુજરાત બોલેગા ખાલિસ્તાન એવા ઉચ્ચારણ સાથે મેઇલ કરનારે ૨૦૨૩માં ૧૮મી જુનનાં રોજ કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંઘ નિઝ્ઝરની શહીદીનો બદલો લેવા માટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. સાથે જ નિઝ્ઝરની હત્યાનો બદલો લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ બોમ્બ બ્લાસ્ટમાં હત્યા કરવાની પણ ખાલિસ્તાન નેશનલ આર્મીનાં નામે એન્જિનિયર ગુરનખ સિંહ (રુકન શાહવાલા) દ્વારા ધમકી આપવામાં આવી હતી. હોમ મિનિસ્ટર અમિત શાહની ઓફિસે ૧૮ જુનથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે બોમ્બ ધમાકો અથવા હ્યુમન બ્લાસ્ટ ધમકી સાથે ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’અમિત શાહનું ધમાકા વીચ ટુકડે ટુકડે કરકે’ લખાયું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution