લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026 |
2277
અમેરિકા અને ઈરાન બંને એક બીજાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે એવી આશા હવે ઠગારી નીવડી રહી છે. અત્યંત મહત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ પાછી ભયાનક બની રહી છે. આ બધા વચ્ચે ઓમાનના કાંઠા પાસે વધુ એક ભારતીય જહાજ એમટી જલવીર પર હુમલો થયાના સમાચાર આવ્યા છે. આ જહાજ પર ૨૦થી વધુ નાવિકો સવાર હતા. અત્રે જણાવવાનું કે તે પહેલા એમટી સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો, જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી ૨૧ને બચાવી લેવાયા, પરંતુ ૩ લોકોના જીવ ગયા છે. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ જહાજના ફનલ અને એન્જિન રૂમમાં આગ લાગી છે. જેનાથી જહાજને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે.
આ પહેલાં ઓમાનના કાંઠા પાસે બુધવારે પણ એક કોમર્શિયલ જહાજ પર હમલાની વાત સામે આવી હતી. આ જહાજ પર કુલ ૨૮ લોકો સવાર હતા. જેમાંથી ૨૪ ભારતીયો હતા. દુખદ વાત એ છે કે આ હુમલામાં ૩ ભારતીય નાવિકો જે પહેલા ગૂમ હોવાનું કહેવાયું હતું ત્યારબાદ તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. ૨૧ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ ઘટના ૧૦ જૂનની છે. ભારતે આ હુમલાની આકરી ટીકા પણ કરી. જે જહાજ પર હુમલો થયો હતો તેનું નામ એમટી સેટેબેલો હતું. રોયટર્સે બ્રિટિશ મેરીટાઈમ સિક્યુરિટી ગ્રુપ એમ્બ્રેના હવાલે લખ્યું કે આ કદાચ ઈરાની બંદરોની ઘેરાબંધી કરવા માટે અમેરિકી ઓપરેશનનું પરિણામ હતું. રિપોર્ટ્સ મુજબ એમટી જલવીર પર થયેલા હુમલા પહેલા ઓમાનમાં જ સમુદ્રી તટો પર છેલ્લા બે દિવસથી હુમલા થઈ રહ્યા છે.