લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026 |
1485
પશ્ચિમ એશિયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાન પર હુમલાની ધમકી આપીને ઈરાન સાથેના તણાવમાં મોટો વધારો કર્યો છે અને ચેતવણી આપી છે કે યુએસ સૈન્ય દળો ઈરાનના ઓઇલ માર્કેટ પર વેનેઝુએલાની જેમ સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્ય દળો ટૂંક સમયમાં જ ઈરાનના મુખ્ય ઓઇલ હબ ‘ખાર્ગ આઇલેન્ડ’ પર કબજાે મેળવશે. આ સાથે જ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચતા તેમણે આજે રાત્રે તેહરાન પર ખૂબ જ જાેરદારહુમલો કરવાની આકરી ધમકી આપી છે. અમેરિકન પ્રમુખે ઉમેર્યું કે અમેરિકા હજી પણ ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ તેમની પ્રાથમિકતા ઈરાનના આ મુખ્ય ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ પર કબજાે મેળવવાની રહેશે. પશ્ચિમી અધિકારીઓ અને ઈરાનના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે પ્રારંભિક શાંતિ સમજૂતી માટેની પરોક્ષ વાટાઘાટો તેજ થઈ હતી. જાેકે, રોઈટર્સના અહેવાલ મુજબ, આ પ્રદેશમાં નવેસરથી શરૂ થયેલા હુમલાઓએ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ સંઘર્ષના ઝડપી અંતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું: યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે ઈરાન પર ખૂબ જ જાેરદાર પ્રહાર કરશે... (જેમની નેવી, એરફોર્સ, રડાર, એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને સંરક્ષણના અન્ય તમામ માધ્યમો તેમની મોટાભાગની આક્રમક ક્ષમતા સાથે ખતમ થઈ ચૂક્યા છે!) યુએસ પ્રમુખે ઈરાન માટેની તેમની યોજનાની સરખામણી વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્ર પર અમેરિકન દળોએ મેળવેલા અંકુશ સાથે કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં કોઈ પણ સમયે, આપણે ખાર્ગ આઇલેન્ડ અને અન્ય ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઇન્ટ્સ હસ્તગત કરીશું અને તેમના ઓઇલ અને ગેસ માર્કેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લઈશું, જેવું આપણે વેનેઝુએલા સાથે કર્યું છે.
ઈરાન-અમેરિકા બંને પક્ષો વચ્ચે સતત ભારે ગોળીબાર અને હુમલા
ટ્રમ્પની આ પોસ્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે સતત બીજા દિવસે થયેલા ભારે ગોળીબાર બાદ આવી છે. યુએસ દળો દ્વારા શરૂ કરાયેલા આ હુમલા અગાઉના હુમલાઓ કરતાં વધુ તીવ્ર અને વ્યાપક હોવાનું કહેવાય છે. તેહરાને પણ આના જવાબમાં જાેર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર વળતા પ્રહારો કર્યા હતા. જાેકે, ઈરાને યુએસ હુમલાઓથી થયેલા નુકસાન અંગે બહુ ઓછી માહિતી જાહેર કરી છે.
ખાર્ગ આઇલેન્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ શું છે, ટ્રમ્પ કેમ પાછળ પડ્યા છે?
કુવૈત અને સાઉદી અરેબિયામાં આવેલા યુએસ મથકોની સામે પર્સિયન ગલ્ફ (પર્શિયન અખાત) ની બીજી બાજુએ આવેલો ખાર્ગ આઇલેન્ડ ઈરાનના તેલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અને મોટું ઓઇલ ટર્મિનલ છે. આ ટાપુ પર અમેરિકન દળો દ્વારા અગાઉ ૧૩ માર્ચે પણ મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસ સૈન્યએ ત્યાંના તમામ લશ્કરી લક્ષ્યોને ‘સંપૂર્ણપણે નેસ્તનાબૂદ’ કરી દીધા હતા. અહેવાલ મુજબ, જાે અમેરિકા ખાર્ગ આઇલેન્ડ પર કબજાે કરી લે છે, તો તે ઈરાનની તેલ નિકાસને સંપૂર્ણપણે રોકી શકે છે અને યુએસ સૈન્યને ઈરાનની મુખ્ય ધરતી પર હુમલો કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ મળી જશે.
યુદ્ધવિરામનો કોઈ અર્થ નથી : તેહરાન
ફરી મિડલ ઇસ્ટમાં ભડકી ઊઠેલાં યુદ્ધ અને તણાવના માહોલ વચ્ચે ઈરાને હજી સુધી ટ્રમ્પની આ તાજી ધમકી પર સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રોઈટર્સના જણાવ્યા અનુસાર, દેશના વિદેશ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે ૮ એપ્રિલના રોજ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંમત થયેલો યુદ્ધવિરામ નવા યુએસ હુમલાઓને કારણે “અસરકારક રીતે અર્થહીન” બની ગયો છે.