લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026 |
3069
શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં પારિવારિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ પોતાની જ જનેતા પર હિંસક હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે સેટેલાઇટ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે, ફરિયાદી મહિલા (ઉં.વ. ૨૯), જેઓ હાલ રેલવે ક્રોસિંગ પાસે રહી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેમણે તેમના સગા ભાઈ જગદીશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૧૩ જૂન ૨૦૨૬ના રોજ મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. મહિલાને જાણવા મળ્યું હતું કે તેમનો ભાઈ જગદીશ, સેટેલાઇટના રાજવન નગર વિભાગ-૧ માં આવેલી તેમની માતા ભાનુબેનની ઓરડીએ જઈને ભારે ધમાલ કરી રહ્યો છે.આવેશમાં આવી ગયેલા આરોપી જગદીશે તેની માતા સાથે ઉગ્ર બોલાચાલી કરી બીભત્સ ગાળો ભાંડી હતી. ત્યારબાદ તેણે પિત્તો ગુમાવી પોતાની કમરનો પટ્ટો કાઢીને વૃદ્ધ માતાને બેરહેમીથી માર માર્યો હતો અને ગડદાપાટુનો પણ પ્રહાર કર્યો હતો. આરોપીએ તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ હુમલાની જાણ થતા જ બહેને તુરંત ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી, જેના પગલે સેટેલાઇટ પોલીસની ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી.સેટેલાઇટ પોલીસે આ મામલે જગદીશ જયેશભાઈ મકવાણા વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૩૫૧(૩) હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.