લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026 |
2178
સુરત એટલે વૈશ્વિક બિઝનેસ હબ. અહીં ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની રફતાર ક્યારેય અટકતી નથી. આ અવિરત વેપારને ચલાવવા માટે ટૂંકા અને લાંબા ગાળાના ધિરાણની જરૂરિયાત હંમેશા રહે છે. સુરતમાં સત્તાવાર બેંકો, નોનબેંકિંગ નાણાંકીય કંપનીઓ ઉપરાંત પ્રાઇવેટ ફાઇનાન્સ (ધીરધાર) કરનારાઓનું મોટું નેટવર્ક સક્રીય છે. સેફ અને અનસેફ લોનનાં આ માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં એક નવો આર્થિક ટ્રેન્ડ જાેવા મળ્યો છે. સુરતનાં નાના-મોટા વેપારીઓ અને સ્જીસ્ઈ સાહસિકો હવે પ્રાઇવેટ ફાઇનાન્સર્સનાં ઊંચા વ્યાજનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને ‘ગોલ્ડ લોન’ તરફ ઝડપથી વળી રહ્યાં છે.
ફાઇનાન્સિયલ એક્સપર્ટ જન્મેશ ચોક્સીએ જણાવ્યું હતું કે, ધિરાણ બજારમાં ગોલ્ડલોન સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટ તરીકે ઉભરી આવી છે, જેમાં વાર્ષિક ધોરણે પોર્ટફોલિયો ૫૦.૪% વધ્યો છે, સોનાનાં વધતા ભાવ, ઊંચી ક્રેડિટ માગ અને સુરક્ષિત ઉધાર લેવાની પસંદગીને કારણે આ સેગમેન્ટનો ઝડપથી વિકાસ થયો. સોનાનાં ભાવમાં તીવ્ર વધારાથી લોકો ગોલ્ડ લોન તરફ આગળ વધ્યાં, જેનાથી વેપાર ધંધાર્થીઓની ટૂંકા ગાળાની અને લાંબાગાળાની નાણાંકીય જરૂરિયાતો સંતોષવા માટે એક નવીનત્તમ આધારસ્તંભ વિકાસ પામ્યો છે.
સુરતની એક બેંકનાં ઉચ્ચાધિકારીનું કહેવું છે કે દેશભરમાં ગોલ્ડ લોન ઓરિજિનેશન વેલ્યુમાં વાર્ષિક ધોરણે ૧૦૮% સુધીનો રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે, જેની સીધી અસર સુરતનાં હીરા અને કાપડ બજારમાં દેખાઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે સુરતમાં અત્યાર સુધી પર્સનલ લોન કે બજારમાંથી ઊંચા વ્યાજે ડાયરી સીસ્ટમ પર નાણાં લેવાનો ટ્રેન્ડ હતો. પરંતુ તેમાં છેતરપિંડી અને ઉઘરાણીનાં જાેખમો રહેતા હતા. પરંતુ ગોલ્ડ લોન એટલી સરળ અને સુલભ બની ગઇ છે કે લોકો હવે ધડાધડ લોન લઇને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યાં છે. સૌથી મોટો ફાયદો વ્યાજમાં મોટી બચતનો છે. અનસીક્યોર્ડ પ્રાઇવેટ લોન સામે ગોલ્ડલોન સુરક્ષિત હોવાથી વ્યાજ દર ખૂબ નીચો રહે છે. વેપારીઓને ‘બુલેટ પેમેન્ટ‘નો વિકલ્પ મળે છે, જેમાં દર મહિને માત્ર વ્યાજ ચૂકવવાનું હોય છે અને મુદ્દલ રકમ બિઝનેસ સાયકલ પૂરી થયા પછી ભરી શકાય છે.