18, ઓગ્સ્ટ 2025
વોશીંગ્ટન |
2178 |
યુક્રેન યુદ્ધ અંગે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટથી ઝેલેન્સ્કી ટેન્શનમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કામાં રશિયન પ્રમુખ પુતિન સાથેની મુલાકાત બાદ તરત જ ઝેલેન્સ્કીને મળવા માટે અમેરિકા બોલાવ્યા છે. આજે બંને વચ્ચે બેઠક યોજાવાની છે જેના પર સૌની નજર છે ત્યારે આ બેઠક અગાઉ જ ટ્રમ્પે ફરી એકવાર માઇન્ડ ગેમની શરૂઆત કરતા તમામ ચોંકી ગયાં છે.
ટ્રમ્પે ટ્રુથ પર એક પોસ્ટમાં એવું કંઇક લખ્યું છે જેનાથી સ્પષ્ટ લાગે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સીઝફાયરની સંપૂર્ણ જવાબદારી હવે ઝેલેન્સ્કીની રહેશે. ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ઈચ્છે તો રશિયા સાથે યુદ્ધ લગભગ તાત્કાલિક સમાપ્ત કરી શકે છે કાં પછી લડવાનું ચાલુ રાખી શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની બેઠકમાં ભારે હોબાળો થયો હતો અને ઝેલેન્સ્કીને અપમાનિત કરવામાં આવતા તેઓ વ્હાઇટ હાઉસ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ હવે જ્યારે ફરી મીટિંગ થવા જઇ રહી છે ત્યારે ઝેલેન્સ્કી પહેલાથી તૈયારી સાથે થઇ રહ્યા છે અને આ વખતે પોતાની સાથે યુરોપિયન દેશોના નેતાઓ જેમ કે બ્રિટનના પીએમ કીર સ્ટાર્મર, ફ્રાન્સ પ્રમુખ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડ્રિક મર્જ અને ઈટાલીના પીએમ મેલોની તથા ફિનલેન્ડ પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબને સાથે લઇને જઈ રહ્યા છે.