ગુજરાતમાં જળસંકટ જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026  |   2277

રાજ્યમાં ખેંચાતા વરસાદના કારણે ૨૦૬ જળાશયો માં માત્ર ૩૭ ટકા પાણીનો જથ્થો છે,જેમાંથી ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો માં ૪૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો માં ૫૨ ટકા પાણી ઉપલબ્ધ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જળાશયો માં પાણીની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. કચ્છના ૨૦ જળાશયો માં માત્ર ૨૭ ટકા પાણીનો જથ્થો છે, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો માં પણ માત્ર ૨૭ ટકા પાણી જ બચ્યું છે. દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો માં ૩૪ ટકા પાણીનો જથ્થો છે.ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૬૫ ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ ૨૦૭ જળાશયો માં ૪૭.૫૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. દેવભૂમી દ્વારકા, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં બે ટકા કરતા પણ ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જામનગરમાં ૮ ટકા અને જૂનાગઢમાં ૧૪ ટકા પાણીનો જથ્થો છે.રાજ્યના ૧૩ જળાશયો એવા છે જેમાં ૨૫ ટકા કરતા પણ ઓછો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આપેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો સંગ્રહ ઓછો છે, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જળાશયો માં અન્ય વિસ્તારમાંથી વધુ પાણી બચ્યું છે. સરદાર સરોવર ડેમમાં પૂરતો જથ્થો હોવા છતાં અન્ય વિસ્તારોમાં પાણીની અછતની સ્થિતિ સામે આવી રહી છે.જળાશયો માં પાણીની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને, રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણી બચત અને વ્યવસ્થાપન માટે તંત્રે ખાસ આયોજન કરવાની જરૂરિયાત છે. આપેલા આંકડાઓ મુજબ આગામી સમયમાં વરસાદ ન પડે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

મધ્ય ગુજરાતમાં સૌથી વધુ જળસંગ્રહ

મધ્ય ગુજરાતના ડેમોમાં રાજ્યમાં સૌથી વધુ ૫૨.૬૨ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. છોટાઉદેપુરના સુખી ડેમમાં ૭૩.૧૪ ટકા ભરાવ છે, જે રાજ્યના મોટા ડેમોમાં અગ્રેસર છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ૪૯.૪૪ ટકા અને પાનમ ડેમમાં ૫૫.૯૭ ટકા ભરાવ છે. પંચમહાલના દેવ ડેમમાં ૬૦.૧૮ ટકા સંગ્રહ નોંધાયો છે. વિભાગે સુખી ડેમને ‘વોર્નિંગ’ કેટેગરીમાં મૂક્યો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.૭૯ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યના સૌથી મોટા જળાશયોમાંના એક ઉકાઈ ડેમમાં હાલમાં ૨,૬૧૧.૦૩ સ્ઝ્રસ્ પાણી છે, જે કુલ ક્ષમતાના ૩૫.૨૨ ટકા છે. કરજણ ડેમમાં ૪૨.૩૭ ટકા અને દમણગંગા ડેમમાં ૨૬.૯૬ ટકા સંગ્રહ નોંધાયો છે. નવસારી જિલ્લાના ઝુજ ડેમમાં ૧.૭૨ ટકા અને કેલિયા ડેમમાં ૧.૮૩ ટકા જળસંગ્રહ નોંધાતા સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં માત્ર ૨૭.૨૧ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ૪૮.૩૦ ટકા, રાજકોટના ભાદર ડેમમાં ૧૮.૧૧ ટકા, મોરબીના મચ્છુ-૨ ડેમમાં ૨૫.૦૬ ટકા અને મચ્છુ-૧ ડેમમાં ૨૩.૩૪ ટકા સંગ્રહ નોંધાયો છે. રાજકોટના આજી-૨ ડેમમાં ૭૬.૧૯ ટકા સંગ્રહ હોવાથી તેને વોર્નિંગ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

ચોમાસાની એન્ટ્રી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ભાવનગર સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સતાવાર ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અલનોની અસર કારણે વરસાદની ગતિ ધીમી જાેવિ મળતી હતી પરંતુ રાજ્યમાં સોમવારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો.સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત નર્મદા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ ભાવનગર તાલુકામાં ૪૭ મિમી વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન બપોર બાદ શરૂ થયેલા વરસાદે શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪૫ મિમી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૩૯ મિમી વરસાદ નોંધાયો હતો.તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં ૩૨ મિમી વરસાદ વરસ્યો હતો જ્યારે વલસાડ તાલુકામાં ૩૦ મિમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વરસાદી પટ્ટામાં આવેલા સુરતના અરેઠમાં ૨૬ મિમી ,અંબિકા વિસ્તારમાં ૨૫ મિમી ,સોનગઢમાં ૨૦ મિમી અને વઘઈમાં ૧૯ મિમી વરસાદ નોંધાયો હતો.વરસાદના કારણે ખેડૂતો માટે સારા સમાચાર જાેવા મળ્યા છે .ખેતરોમાં વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને જળાશયો તથા નદીઓમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે. હવામાન વિભાગે આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution