જૂઓ, બાયડેને ચીન અને મ્યાંમારને કઈ ચેતવણી આપી

વોશિંગ્ટન-

અમેરીકી રાષ્ટ્રપતિ જાે બાયડેને શુક્રવારે સૌપ્રથમવાર દેશની વિદેશનીતિ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું હતું. આ જાહેરાત માટે તેઓ ખાસ વિદેશખાતામાં ગયા હતા. તેમણે જે કોઈ જાહેરાત કરી હતી તેમાં ભારત માટે વિશેષ કોઈ વાત નહોતી પણ તેમણે ચીન, મ્યાંમાર અને રશિયા માટે કેટલીક ખાસ વાતો કહી હતી. તેમણે યેમન બાબતે પણ સઉદીને ચેતવણી આપી હતી કે, તે માનવાધિકારોના ઉલ્લંઘન બાબતે સચેત રહે. બાયડેનના ભાષણના કેટલાંક ખાસ હિસ્સાઓ અહીં રજૂ કર્યા છે.

- રશિયાઃ આ દેશમાં સામાજીક કાર્યકર એલેક્સી નેવેલ્નીને માત્ર એટલા માટે જેલમાં પૂરી દેવાયા છે, કેમ કે, તેઓ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડી રહ્યા હતા. તેમણે માંગ કરી હતી કે આ નેતાને વિના શરતે છોડી મૂકવામાં આવે.

- મ્યાંમારઃ અમેરીકા પોતાના સાથી દેશો સાથે મળીને અહીં લોકતંત્ર સ્થાપિત કરવા પ્રયાસ કરશે. કાનૂનનું શાસન જરુરી છે. તેમ ન કરનારાઓએ પરીણામ ભોગવવા પડશે.

- ચીનઃ અમેરીકાને નુકસાન કરવાના દરેક કારસાને અમે પહોંચી વળીશું. તેની સામે કાર્યવાહીની તૈયારી શરુ કરી દેવાઈ છે. ચીને માનવાધિકારોના ઉલ્લંઘનને માટે જવાબ આપવો પડશે. જાે અમેરીકી હિત જળવાશે તો તે ચીન સાથે ભાગીદારી કરવા તૈયાર છે.

- દુનિયાના દેશો સાથે યુતિકરણઃ અમેરીકા તેના સાથી દેશોને સાથે લેવા પ્રયાસ કરશે. તે માટે યુતિકરણ મજબૂત કરવામાં આવશે. દુનિયાને સંગઠિત કરવા પ્રયાસ કરવામાં આવશે.

- રિફ્યુજીની સમસ્યાઃ ખાસ કરીને મેક્સિકો ખાતે આ સમસ્યા અમેરીકાને સતાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયગાળામાં આ સમસ્યા વકરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ત્યાં સીમા પર દિવાલ બનાવાઈ હતી. હવે એ દિવાલનું બાંધકામ બંધ કરી દેવાયું છે.

- અમેરીકી સેનાની હાજરીઃ દુનિયાભરના કેટલા દેશોમાં અમેરીકી સેનાની હાજરી છે અને જરુરી છે, એ બાબતે સમીક્ષા કરવામાં આવશે અને તેને આધારે આગળ કાર્યવાહી થશે. જર્મનીમાંથી અમેરીકી સેના ન હટાવવાની તેમણે જાહેરાત કરી છે. જર્મનીમાં ૪ હજાર અમેરીકન સૈનિકો છે.

- લોકતંત્રઃ તેમણે કહ્યું કે, દુનિયાભરમાંથી ક્યારેય લોકતાંત્રિક દેશોનું મહત્વ ઓછું નથી થવાનું. દુનિયાભરના દેશોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરાશે. આ માટે દુનિયાના લોકતાંત્રિક દેશો સાથે સંવાદ કરવામાં આવશે.

- યેમન સામે સઉદી અને યુએઈની સેનાની કાર્યવાહીને અમેરીકા મંજૂર નહીં કરે. તેમણે કહ્યું હતું કે, આ દેશોને શસ્ત્ર પૂરવઠો રોકી દેવાયો છે. સઉદી અમેરીકાનું સહયોગી હોવાનું તેમણે કહ્યું હતું.

- સમલૈંગિકતાઃ આ બાબતે તમામ એજન્સીઓને આદેશ આપી દેવાયા છે કે, દુનિયાભરના તમામ હિસ્સાઓમાં સમલૈંગિક્તાને લગતા કાનૂનોની રક્ષા કરવામાં આવે.

- પર્યાવરણઃ આ બાબતે અમેરીકા પ્રતિબદ્ધ છે અને દુનિયાએ આ બાબતે જે લક્ષ્ય નિર્ધારીત કર્યા છે, તેને પૂર્ણ કરવામાં અમેરીકા સહયોગ આપશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution