લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
3366
નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનો વિવાદ રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો છે. નાસિરનગરમાં રહેતાં એક રહિશે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ પોલીસ કમિશનરને પક્ષકાર બનાવી બાકીનાં ઝૂંપડાનાં ડીમોલિશન સામે સ્ટે આપવાની દાદ માગતી રિટ આજે હાઇકોર્ટમાં કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રનાં મેળાપીપણામાં જ ગેરકાયદે ડીમોલિશન કરવામાં આવતાં ૧૫૦ પરિવારો બેઘર બની ગયાં હોવાનો સીધો આરોપ રિટ પીટિશનમાં કરવામાં આવ્યો છે.
વેડદરવાજા સ્થિત નાસિરનગરમાં ૩૫ વર્ષથી રહેતાં શેખ હુસેન અજીજે પોતાના ધારાશાસ્ત્રી ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં આજે રિટ કરી હતી. રિટમાં શેખ હુસેને જણાવ્યું છે કે, સાડા ત્રણ દાયકાથી પરિવાર સાથે નાસિરનગરમાં રહે છે અને મહાનગર પાલિકાનો મિલકતવેરો પણ ભરે છે. તાજેતરમાં જ પોલીસની મોટી ટીમ સાથે આવેલાં મહાનગર પાલિકાનાં અધિકારીઓએ કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના ડીમોલિશન કરી ૧૫૦ મકાનો તોડી પાડી રહિશોને બેઘર કરી મૂક્યાં છે. બાકી બચેલાં મકાનોનાં રહિશોને તેમના આવાસો ખાલી કરવા માટે પોલીસે ધમકી આપી હતી. ધારાશાસ્ત્રી ઝમીર શેખે જણાવ્યું હતું કે, રિટ દાખલ થઇ ગઇ છે. મહાનગર પાલિકાનાં સત્તાધીશો બાકીનાં આવાસો ખાલી કરાવે કે ડીમોલિશન કરે તે સામે તેમનાં અસીલે સ્ટે આપવા દાદ માગી છે. આ ઉપરાંત સુરતની કોર્ટમાં પણ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી બાબતે તેઓ ફરિયાદ કરવાના છે.
સ્પોન્સર્ડ ડીમોલિશનમાં સંડોવાયેલાં અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગણી
નાસિરનગર વસાહતનાં મકાનોનું ડીમોલિશન તદ્દન ગેરકાયદે અને સ્પોન્સર્ડ છે. પોલીસ બંદોબસ્ત સાથે મહાનગર પાલિકાનાં સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઇજનેર જયંગ જીવણરામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર નરેશ ગલચર, મોનિક ગઢિયા, જેનિશ પટેલ તેમજ આરડીડી વિભાગનાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતનાં અધિકારીઓએ ગેરકાયદે ડીમોલિશન કરીને લોકોને બેઘર કરી દીધા છે. બિલ્ડરનાં લાભ માટે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનની ગેરકાયદે કામગીરીમાં સંડોવાયેલાં અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરવાની માગણી સાથેનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે.
- અસલમ સાયકલવાલા, પૂર્વ કોર્પોરેટર
નાસિરનગરનાં ડીમોલિશનને પગલે ભાજપનાં બે મોટા નેતા સામ સામે આવી ગયાં
વેડદરવાજા, નાસિરનગરમાં કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનનો ભેદ ધીરે ધીરે ખુલી રહ્યો છે. બિલ્ડર સાથે નીકટનાં સંબંધો ધરાવતાં ભાજપનાં એક મોટા નેતાનાં ઇશારે જ મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્રનાં અધિકારીઓએ નાસિરનગરમાં હાજરી આપી અને ડીમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેની દરકાર રાખી હતી. મોટા નેતાનાં હરિફ જુથનાં નેતાએ પણ મોકો મળતાં ડીમોલિશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં બાદ નાસિરનગરનાં ડીમોલિશનની વાત ગાંધીનગરનાં દરબાર પછી હવે હાઇકોર્ટ સુધી પહોંચતાં મહાનગર પાલિકા તેમજ પોલીસતંત્રનાં અધિકારીઓ માટે મામલો પેચીદો બની ગયો છે.