લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026 |
2079
પાસોદરામાં રહેતી યુવાન વિધવાને લગ્નની વાતે ભોળવી બે વર્ષ શારીરિક શોષણ કર્યા બાદ તરછોડી દેનારા લંપટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. લસકાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાસોદરામાં રીના રાઠોડ (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહે છે. પતિનું અવસાન થયા બાદ ૩૨ વર્ષીય રીના ગુજરાન ચલાવવા માટે કેટરિંગ સર્વિસમાં નોકરી કરવા માંડી હતી. જયાં તેણીની મુલાકાત ચેતન સુરેશભાઇ કડુ સાથે થઇ હતી. બે વર્ષ અગાઉ મળેલા ચેતને વાતચીતમાં જાણી લીધું હતું કે, રીના રાઠોડનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ તેણે રીના સાથે સહાનુભૂતિ દાખવી નિકટતા કેળવી હતી.
તુ મને બહુ ગમે છે, હું તમારી સાથે લગ્ન કરીશ એવી વાત કરી ચેતને તેણી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો. વિધવા હોવાનું જાણવા છતાં ચેતને કરેલી વાતથી રીના તેના પ્રભાવમાં આવી ગઇ હતી. ત્યારબાદ તેઓ પ્રેમી યુગલની જેમાં સાથે રહેવા અને હરવા ફરવા માંડ્યા હતાં. ચેતન અવાર નવાર લગ્નની વાતે ઇમોશનલ કરી રીના સાથે શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. બે વર્ષ સુધી ચેતન તેણીના ઘરે જઇ જાતીય સુખ માણતો રહ્યો હતો. બાદમાં રીનાને એવી જાણ થઈ હતી કે, ચેતન દિલફેંક ઇન્સાન છે. તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આઘાત પામેલી રીનાએ ચેતન પોતાનો જ બનીને રહે એ માટે લગ્ન માટે આગ્રહ કરવા માંડ્યો હતો. શરૂઆતમાં ગલ્લાં તલ્લાં કરનારા ચેતને થોડા સમય બાદ લગ્નનો ઇન્કાર કરી રીના સાથેના સંબંધ પણ તોડી નાંખ્યા હતાં. રીના સમજાવવા ગઇ તો ચેતને તેણીને જાતિ વિષયક ગાળો ભાંડી અપમાન સાથે હડધુત કરી હતી. આથી રીનાએ ચેતન કડુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.