૧૧૯૦ સંવેદનશીલ મતદાન મથકો ઉપર કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનોનું સુરક્ષા ચક્ર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ડિસેમ્બર 2022  |   2970

વડોદરા, તા.૩

 વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી વિધાનસભાની ૧૦ બેઠકો ઉપર આગામી તા. ૫ ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધે તે માટે પ્રયત્નશીલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની પ્રકિયાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તે સંદર્ભમાં જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની મુક્ત અને ન્યાયી, નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ ચૂંટણીમાં ૨૫૯૦ મતદાન મથકો પૈકી અડધા એટલે કે, ૧૩૩૦ જેટલા મતદાન મથકોનું લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે, જેના ઉપર સતત નજર રાખવામાં આવશે.

 કલેક્ટરએ વધુમા જણાવ્યું કે, આવતીકાલ તા. ૪ને રવિવારે શહેર અને જિલ્લાના ૧૦ નિયત રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન મથકો ખાતે મતદાન સામગ્રી સાથે ચૂંટણીકર્મીઓને વાહનોમાં રવાના કરવામાં આવશે. આ વાહનોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.

 મીડીયા સાથે વાત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે ઉમેર્યું કે, શહેર અને જિલ્લામાં ૧૧૯૦ જેટલા મતદાન મથકો સંવેદનશીલ નિયત કરવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથકો ખાતે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટૂકડી તહેનાત કરવામાં આવશે. એક સ્થળે ત્રણથી વધુ મતદાન મથકો ધરાવતા બૂથ ઉપર સીઆરપીએફના જવાનોનું સુરક્ષા ચક્ર રહેશે. મતદાન દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર તથા જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારો ચૂંટણી ઓળખકાર્ડ અથવા તો ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરાયેલા ૧૨ પૈકી કોઇ એક ઓળખકાર્ડ અસલમાં સાથે રાખીને મતદાન કરી શકશે. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે, મતદારોને આપવામાં આવેલી મતદાર માહિતી કાપલી એ માત્ર મતદાન મથકની જાણ અને મતદાનની સરળતા માટે છે. તે મતદારના ઓળખનો પૂરાવો નથી. તેના આધારે મતદાન કરી શકાશે નહીં.

 અતુલ ગોરે વધુ માહીતી આપતા જણાવ્યુ કે, મતદાનના દિવસે સગર્ભાઓ, ૮૦થી વધુની આયુ ધરાવતા વૃદ્ધો, દિવ્યાંગોને મતદાનમાં સરળતા રહે તે માટે અગ્રતા આપવામાં આવશે. આવા મતદારો માટે ખાસ વાહનની વ્યવસ્થા તેમની વિનંતીના આધારે કરવામાં આવી છે. મતદાન મથકમાં મોબાઇલ સાથે પ્રવેશની મનાઇ રહેશે. મતદાર પોતાનો મોબાઇલ ફોન બહાર રાખીને આવે તે અનિવાર્ય છે. મતદાનના દિવસે ઔદ્યોગિક, વ્યાપારી એકમો અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમયોગીઓને મતદાન કરવા માટે સવેતન રજા આપવાની રહે છે. ચૂંટણીલક્ષી બાબતો માટે કલેક્ટર કચેરીમાં એક ખાસ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. તેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૦૩૮ છે. તેના ઉપર કોઇ પણ નાગરિક ફોન કરી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution