લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, નવેમ્બર 2026 |
2376
ગણિતશાસ્ત્રના ઈતિહાસમાં છેલ્લા ૧૬૭ વર્ષથી વણઉકેલાયેલા અને અત્યંત જટિલ ગણાતા ‘રીમાન હાઈપોથેસિસ’ કોયડાનો ઉકેલ મળી ગયો હોવાનો સનસનીખેજ દાવો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કંપની એન્થ્રોપિકના એક ગણિતશાસ્ત્રીએ કર્યો છે. સંશોધક અલ્પોગેના જણાવ્યા અનુસાર, તેમણે કંપનીના એઆઈ ટૂલ ‘ક્લોડ’ની મદદથી આ સમસ્યાનો ઉકેલ મેળવ્યો છે, જેનાથી ગણિતના ‘હોલી ગ્રેઈલ’ (સૌથી દુર્લભ અને મહત્ત્વપૂર્ણ લક્ષ્ય) ગણાતા આ કોયડાના નિરાકરણની દિશામાં મોટું પગલું ભરાયું હોવાનું મનાય છે. અલ્પોગેએ ક્લોડ એઆઈની મદદથી આ સાબિતીનું સ્વરૂપ ‘લીન’ નામની પ્રોગ્રામિંગ ભાષામાં તૈયાર કર્યું છે, જેના દ્વારા ગણિતના તર્કોની કમ્પ્યુટર મારફતે ચકાસણી કરી શકાય છે. હાલ તેમણે આ જ સ્વરૂપ રજૂ કર્યું છે, કારણ કે સંપૂર્ણ લેખિત દલીલ અત્યંત લાંબી હોઈ શકે છે. તેમણે સ્વીકાર્યું છે કે આ પુરાવામાં સામેલ તમામ ગણિતની ઊંડી સમજ હજુ તેમને સંપૂર્ણપણે કેળવવાની બાકી છે અને તેઓ ભવિષ્યમાં તેને યોગ્ય રીતે લખીને રજૂ કરવાની યોજના ધરાવે છે. આ પદ્ધતિ ‘જનરલાઈઝ્ડ રીમાન હાઈપોથેસિસ’ જેવા વ્યાપક સ્વરૂપને પણ ઉકેલવા સક્ષમ હોવાનું તેમણે જણાવ્યું છે. પોતાના કાર્ય અંગે વાત કરતાં અલ્પોગેએ જણાવ્યું કે કમ્પ્યુટર તપાસણી અત્યંત ચોક્કસ અને કડક હોય છે, અને જાે કમ્પ્યુટરને સંતોષ થાય તો તે સાબિતી માન્ય ગણવા માટે મજબૂત આધાર બને છે. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે, શું એનો અર્થ એ થાય કે હું તે સમજી ગયો છું? હજુ નહીં. તેમણે એઆઈને કોઈ ‘મશીન ગોડ’ (દૈવી શક્તિ ધરાવતા યંત્ર) માનવાને બદલે એક અત્યંત ઉપયોગી ‘ટૂલ’ (સાધન) તરીકે જાેવાની વાત પર ભાર મૂક્યો હતો, જ્યાં માનવ પ્રયત્ન અને સમજણ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.