ગાંધીનગરમાં બાંધકામ સાઇટના છઠ્ઠા માળેથી પટકાતાં ૧૮ વર્ષીય શ્રમિકનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026  |   2673

પાટનગર ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલા રાંદેસણમાં નિર્માણાધીન બાંધકામ સાઇટ પર છઠ્ઠા માળેથી પટકાતાં ૧૮ વર્ષીય શ્રમિક યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. સેન્ડલવુડ નામની બાંધકામ સાઇટ પર રાત્રિના સમયે ધાબું ભરવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે શ્રમિકોની સુરક્ષા માટેના જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ વિસ્તારની વતની કાજલ માવી પરિવાર સાથે ગાંધીનગરમાં મજૂરીકામ કરીને જીવનનિર્વાહ કરતી હતી. બાંધકામ સાઇટ પર રાત્રિના સમયે અન્ય શ્રમિકો સાથે ધાબું ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કાજલ છઠ્ઠા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. યુવતીના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. દુર્ઘટના કયા સંજાેગોમાં બની, બાંધકામ સ્થળે સુરક્ષાનાં જરૂરી સાધનો ઉપલબ્ધ હતાં કે નહીં તેમજ કામદારો માટે જરૂરી સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં તે તપાસના મહત્ત્વના મુદ્દા બન્યા છે.આ બનાવને પગલે દાહોદથી સામાજિક આગેવાનો અને અગ્રણીઓ પણ ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મૃતક યુવતીના પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. સાથે જ શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, બાંધકામ સાઇટ પર સલામતીના નિયમોનું પાલન કરાવવા અને તપાસમાં બેદરકારી સાબિત થાય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution