લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026 |
1881
વલસાડ તાલુકાના ગાડરિયા ગામના દાદરી ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. દીકરીના અચાનક મોતના સમાચાર મળતાં જ પિયર પક્ષે સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપો કરી તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની ઉગ્ર માંગ કરી છે. મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાના ગાડરિયા ગામના દાદરી ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતા મેઘનાએ અગમ્ય કારણોસર પોતાનાં ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. આ ઘટનાની જાણ થતાં જ મેઘનાના પિયર પક્ષનાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લગ્નજીવનની શરૂઆતથી જ મેઘનાને સાસરી પક્ષ તરફથી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. જેને પગલે તેમની દીકરીએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનો દાવો પિયરીયાઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પિયર પક્ષના સભ્યોએ સ્થાનિક પોલીસ મથકે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે. આ સાથે જ, માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે અને પરિણીતાના મોત માટે જવાબદાર તમામ સાસરિયાઓ સામેે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. બનાવની જાણ થતાં જ વલસાડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પિયર પક્ષ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને પરિસ્થિતિજન્ય પુરાવાઓનાં આધારે કયા સંજોગોમાં પરિણીતાએ આ પગલું ભર્યું તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.