દરરોજ ૨૫૦ ટ્રક અનાજ ઠલવાય છે, છતાં સુરતમાં અનાજ-કઠોળનું એક પણ જથ્થાબંધ બજાર નથી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   1980

૮૫ લાખની વસતીનું ભારણ ધરાવતા સુરત શહેર અને આસપાસનાં વિસ્તારોમાં રોજિંદા વપરાશ માટે અંદાજે ૨૫૦ ટ્રકથી વધુ જથ્થામાં અનાજ, કઠોળ, ખાંડ ઠલવાય છે છતાં સુરત શહેરમાં અનાજ અને કઠોળ માટે એપીએમસી જેવું કોઈ એક મોટું કેન્દ્રીય જથ્થાબંધ બજાર (હોલસેલ માર્કેટ) નથી. શહેરની ખાદ્ય જરૂરિયાત સતત વધી રહી છે ત્યારે અનાજનાં જથ્થાબંધ વેપાર, સંગ્રહ, ભાવની પારદર્શિતા અને મોટાપાયે વિતરણ માટે શાકભાજી બજારની જેમ સુવ્યવસ્થિત અનાજ બજાર યાર્ડની જરૂરિયાત હવે ફરીથી સામે આવી છે.

બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ પ્રદીપ અગ્રવાલ સહિતના આગેવાનોએ તાજેતરમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાની મુલાકાત કરીને એક મહત્વનાં મુદ્દા પર સહકાર માગ્યો હતો. પ્રદીપ અગ્રવાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શાકભાજી બજાર સુરતમાં ઉપલબ્ધ છે. શાકભાજીનાં જથ્થાબંધ વેપારમાં વેપારી ક્યાંથી માલ આવ્યો, કેટલો ભાવ છે અને કયા ભાવે ખરીદી કરવી તે અંગે બજાર વ્યવસ્થાને કારણે પ્રમાણમાં વધુ પારદર્શિતા રહે છે. તેની સામે અનાજ અને કઠોળનાં જથ્થાબંધ વેપાર માટે આવી કેન્દ્રિય વ્યવસ્થા નથી. પરિણામે ગ્રાહક તેમજ નાના વેપારી માટે અનાજનો વાસ્તવિક જથ્થાબંધ ભાવ જાણવા અને ગુણવત્તા અંગે સરખામણી કરવી મુશ્કેલ બને છે.

સુરતમાં અનાજનું વિશાળ બજારયાર્ડ એટલે કે, એપીએમસી જેવું માર્કેટ વિકસાવવાની માગણી હવે ફરીથી તેજ બની છે. બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત સ્થિત દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ સુરતમાં અનાજ માટે વિશેષ બજારયાર્ડ વિકસાવવાની માગણી રજૂ કરવાની તૈયારી છે. આ માગણી નવી નથી. વર્ષ ૨૦૧૯માં ચોર્યાસીનાં વર્તમાન ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સુરતમાં અનાજનાં વિશાળ બજાર યાર્ડની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી. જાે કે વર્ષો વીતી ગયા છતાં સુરત શહેરની વધતી વસતી, દક્ષિણ ગુજરાતની વધતી ખાદ્ય જરૂરિયાત અને વેપારના વિસ્તરણની સામે અનાજ માટે કેન્દ્રિય જથ્થાબંધ બજારની વ્યવસ્થા ઊભી થઈ નથી.

સુરત માત્ર ગ્રાહક નહીં, જથ્થાબંધ અનાજનાં વેપારનું કેન્દ્ર બની શકે

હોલસેલ અનાજના મોટા વેપારી જયંત પટેલ કહે છે કે સુરતની જરૂરિયાત પૂરતી અનાજ અને કઠોળની આવક જાળવવા ઉપરાંત શહેરને દક્ષિણ ગુજરાતના અનાજના પુરવઠા અને વિતરણના મહત્વના કેન્દ્ર તરીકે વિકસાવવાની પણ વિશાળ સંભાવના છે. સુરતના ભૌગોલિક સ્થાન, વેપારી માળખા અને દક્ષિણ ગુજરાત સાથેના મજબૂત જાેડાણને કારણે અહીં એક સુવ્યવસ્થિત અનાજ બજાર ઊભું થાય તો સુરતમાંથી આસપાસના વિસ્તારોમાં તેમજ અન્ય બજારોમાં મોટા પ્રમાણમાં અનાજ મોકલી શકાય. હાલમાં વિવિધ સ્થળોએ વિખેરાયેલા જથ્થાબંધ વેપારને એક સ્થળે લાવવામાં આવે તો ટ્રકની અવરજવર, તોલ, સંગ્રહ, ગુણવત્તા ચકાસણી, પેકિંગ અને પરિવહન જેવી વ્યવસ્થાઓ એક જ સ્થળે ઊભી કરી શકાય. પરિણામે વેપારીઓને પણ વ્યવસ્થિત માળખું મળશે અને ખરીદદારો માટે ભાવની સરખામણી સરળ બનશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution